વડોદરા અધિકારીઓનો અણધડ વહીવટ, બ્રિજનો પ્રોજેક્ટ રદ થતાં કોર્પોરેશનને 3 કરોડનું નુકસાન

વડોદરાઃ કોર્પોરેશનનાં શાસકો અને અધિકારીઓનો વધુ એક અણધડ વહીવટનો ઉત્તમ નમુનો સામે આવ્યો છે. જેનાં કારણે કોર્પોરેશનની તિજોરીને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જે વાતનો સ્વીકાર ખુદ મ્યુનિસિપલ કમિશ્નરે કર્યો છે.

કોર્પોરેશનનાં શાસકો અને અધિકારીઓએ ઉતાવળે સુશેન બ્રીજની જાહેરાત બજેટમાં કરી હતી. બ્રીજ બનાવવા માટે સર્વે પણ થયો. બ્રીજની કામગીરી પણ શરૂ કરાઈ. પરંતુ બ્રીજ જે જગ્યાએ બનાવવાનો હતો તેનાં બદલે કોર્પોરેશનનાં એક પૂર્વ ઉચ્ચ હોદ્દેદાર અને પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરનાં ઈશારે બ્રીજની દિશા જ બદલી દેવાઈ.

કોર્પોરેશનનાં સર્વેમાં બ્રીજ પ્રતાપનગરથી મકરપુરા ડેપો સુધી બનાવવાનું નકકી થયું હતું પરંતુ બ્રીજની દિશા બદલી તરસાલીથી વડસર સુધી બનાવતાં આસપાસની સોસાયટીનાં મકાનો કપાતમાં જતાં હતાં.

જેનાં કારણે 20 સોસાયટીનાં રહીશો, દુકાનદારો અને જીઆઇડીસી કંપનીનાં સંચાલકોએ ઉગ્ર વિરોધ કરતાં મ્યુનિસિપલ કમિશ્નરે બ્રીજનો પ્રોજેકટ જ રદ કર્યો છે. બ્રીજનો પ્રોજકટ રદ થતાં કોર્પોરેશન કોન્ટ્રાકટરે જેટલું કામ કર્યું છે તેનાં 3 કરોડ ચુકવવાનાં આવ્યાં છે.

જેનાં કારણે કોર્પોરેશનની તિજોરીને 3 કરોડનું નુકશાન થયું છે. 34 કરોડનાં ખર્ચે બનનારા બ્રીજનો પ્રોજેકટ રહીશોનાં ભારે વિરોધનાં કારણે રદ કરાતાં સ્થાનિક રહીશો ખુશ થયાં છે.

સ્થાનિક રહીશો કોર્પોરેશનનાં એક ભાજપનાં હોદ્દેદારની જમીન બચાવવા માટે કોર્પોરેશન રાતોરાત બ્રીજ બનાવવાની જગ્યા ફેરવી દીધી હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે તો 3 કરોડનાં નુકસાનનાં જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યાં છે.

કોંગ્રેસનાં કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતાએ બ્રીજનાં અણધડ વહીવટથી કોર્પોરેશનને 3 કરોડનાં નુકશાન બદલ પૂર્વ મેયર અને પૂર્વ કમિશ્નરને જવાબદાર ઠેરવ્યાં છે. આ સાથે જ તમામ નુકસાનની રકમ આ લોકોની વસુલ કરવા માંગ કરી છે.

મહત્વની બાબત તો એ છે કે એક તરફ કોર્પોરેશનની તિજોરી તળીયાં ઝાટક છે ત્યારે કોર્પોરેશનનાં પૂર્વ શાસકો અને અધિકારીઓનાં અણધડ સંચાલનનાં કારણે કોર્પોરેશનને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે કોર્પોરેશનને થયેલાં નુકસાનની ભરપાઈ પૂર્વ મેયર અને પૂર્વ કમિશ્નર પાસેથી વસુલવામાં આવે તેવી ચારેય તરફથી અવાજ ઉઠવા પામી છે.

You might also like