વડોદરા એરપોર્ટ પર બાયોમેટ્રીક મશીનથી એન્ટ્રી

એરપોર્ટમાં એન્ટ્રી માટે આધાર કાર્ડ જરૂરી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હવે હવાઇ મુસાફરી માટે આધારકાર્ડ જરૂરી બનશે. સૌપ્રથમ આ પ્રોજેક્ટ વડોદરા એરપોર્ટ પર અમલી બનાવવામાં આવશે. વડોદરામાં બનાવવામાં આવેલા એરપોર્ટ પર આધારકાર્ડ આધારિત ઇ-બોર્ડિંગ શરૂ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પાઇલટ પ્રોજેક્ટ તરીકે વડોદરા શહેરને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે વડોદરા એરપોર્ટ પર સરવૅ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ એરપોર્ટ પર ઇ-બોર્ડિંગ શરૂ કરાશે.

વડોદરા ખાતે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ બનાવવામાં આવ્યુ છે. એક અંદાજ મુજબ વર્ષે લગભગ ૯ લાખ લોકો આ એરપોર્ટ પર આવશે. રોજની ૧૨ ફલાઇટનું ઓપરેશન થાય છે. હાલમાં આ ફલાઇટમાં જતા મુસાફરોને તેમના ઓળખકાર્ડના ફોટા સાથે ફેસ મેચ કરી એન્ટ્રી આપવામાં આવે છે. જ્યારે નવી સિસ્ટમ પ્રમાણે જે મુસાફરનું આધારકાર્ડ હશે તેમને માત્ર અંગૂઠા કે ફિંગર મેચ કરી બાયોમેટ્રીક મશીન દ્વારા ઇ-બોર્ડિંગ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ગત ૧૦મી તારીખે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આગામી એક-બે માસમાં બાયોમેટ્રીક મશીન કાર્યરત કરવામાં આવશે. વડોદરામાં નવું એરપોર્ટ બન્યું હોવાથી પ્રાથમિકતા આપવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like