વડાલનો શિક્ષિત યુવાન મધ પકવે છે!

આજના યુવાનો ખેતીથી દૂર ભાગી રહ્યા છે તેવી કાગારોળ વચ્ચે જૂનાગઢ નજીકના વડાલ ગામનો યુવક અનોખી ખેતી દ્વારા નામ અને દામ મેળવી રહ્યો છે.

બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી ચૂકેલો સંદીપ પટેલ સારી નોકરી કરવાને બદલે પિતાની પરંપરાગત ખેતીમાં જોડાયો હતો, પરંતુ કૃષિ પેદાશોના યોગ્ય બજાર ભાવો ન મળતાં હોવાથી તેણે મધમાખીના ઉછેરનો પ્રયોગ આદર્યો. મધમાખીના ઉછેરથી મધના વેચાણમાં તેણે ટૂંકા ગાળામાં જ કાઠું કાઢ્યું અને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવાં શહેરો સુધી મધ પહોંચાડવા લાગ્યો. હવે સંદીપને વિદેશથી પણ મધના ઓર્ડર મળવા લાગ્યા છે.

વડાલથી પાંચેક કિલોમીટર દૂર તેનું ફાર્મ આવેલું છે. જ્યાં તે મધમાખીની ખેતી કરી (જાતો ઉછેરી) રહ્યો છે. તેનો આ પ્રયોગ જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. તે કહે છે, ‘મારા ફાર્મમાં હાલ મોટા પ્રમાણમાં મધમાખીની પેટી મૂકવામાં આવી છે અને તેમાંથી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પદ્ધતિથી મધ એકત્ર કરવામાં આવે છે. આ ચોખ્ખું અને ઓર્ગેનિક મધ મોંઘું હોય છે. તેમાં પણ શેફરોન નામનું મધ અત્યંત મોંઘું હોય છે. કેટલાક અસાધ્ય રોગો માટે આ મધ અક્સીર ઇલાજ સમાન છે.

કુલ છ જાતની મધમાખીમાંથી બે જાતની મધમાખી દ્વારા મધ ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ પ્રકારની પેટીમાં મધમાખીનાં ઝુંડ મૂકવામાં આવે છે. બાદમાં વીસેક દિવસ પછી તેમાંથી મધ લેવાનું શરૂ કરવામાં આવે છે.’ સંદીપની સાથે તેની આર્કિટેક્ટ પત્ની પણ તેના આ વ્યવસાયમાં જોડાઈ છે. આ દંપતી યુવાનોને ઓર્ગેનિક ખેતી કરવા રાહ ચીંધે છે.

You might also like