વાડજમાં ગાળો બોલવા બાબતે યુવાન પર છરીના ઘા ઝીંકાયા

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર ગુનાખોરીએ માથું ઊંચક્યું છે. જૂના વાડજના ગાંધીનગરના ટેકરા ખાતે બેફામ ગાળો બોલતા યુવકને અન્ય યુવકે અટકાવતાં છરીના ઘા મારી તેની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે જમાલપુરબ્રિજ નીચે ચોર ટોળકીએ પોતાના જ સાગરીતને ઝઘડાની અદાવત રાખીને છરીના ઘા મારી રહેંસી નાખ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂના વાડજના ગાંધીનગરના ટેકરા ખાતે આવેલી લીલા માતાની ચાલી ખાતે દિલીપભાઇ છનાભાઇ ચંદ્રપાલ (ઉ.વ.૪૭) રહે છે. તેમની સાથે તેમનો ભત્રીજો જીતેશ ઉર્ફે જીગો સુરેશભાઇ ચંદ્રપાલ (ઉ.વ.ર૯) રહેતો હતો. ગઇ કાલે જીતેશ તેના ઘરની પાસે ઊભો હતો ત્યારે તેના ઘરની નજીક રહેતો અજય ઠાકુર નામનો યુવક ઘર પાસે બેફામ ગાળો બોલી રહ્યો હતો, જેથી જીતેશે અજયને ગાળો બોલવાની ના પાડી હતી. ગાળો બોલતાં અટકાવતાં અજય ઉશ્કેરાઇ ગયો હતો અને છરી લાવી તેણે જીતેશના પેટના ભાગે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટના બનતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને અજય ફરાર થઇ ગયો હતો.

ગંભીર રીતે  ઇજાગ્રસ્ત જીતેશને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજી તરફ વાડજ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

બીજી તરફ શાહપુર દરવાજાની બહાર આવેલા રામલાલના ખાડા ખાતે રહેતાં સાબિરભાઇ શફીભાઇ શેખ (ઉ.વ.ર૬) અને તેમના મિત્ર મહંમદ ખલિલ અંસારી (રહે. શાહપુર દરવાજા બહાર) ગત મોડી રાત્રે ૧.૪પ વાગ્યે તેમના અન્ય બે મિત્રો સાથે રાત્રે જમાલપુરબ્રિજ નીચે ગયા હતા જ્યાં મોહસીન કુરેશી, તો‌િસફ અને મહંમદ ઇકબાલ શેખ નામના ત્રણ શખ્સો આવ્યા હતા અને ખલિલને શું કરવું છે તારે કહી છરીના ઘા મારી તેની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એમ. કે. રાણાએ જણાવ્યું હતું કે મોહસીન ઉર્ફે ગોલવા કુરેશી (રહે. બહેરામપુરા) તો‌િસફ રજબ શેખ (રહે. ચારમા‌િળયા ઔડાનાં મકાન, વટવા), મહમંદ ઇસ્માઇલ શેખ (રહે. અલ્લાહનગર, દાણીલીમડા) તથા મૃતક મહંમદ ખ‌િલલ મિત્રો હતા. આ તમામ ચોર ટોળકી છે અને ભંગાર ચોરી, શાકભાજી ચોરી જેવી નાની-મોટી ચોરી કરે છે. ગત રાત્રે ઝઘડાની અદાવત રાખી મહંમદ ખ‌િલલ તેના મિત્ર સાથે જમાલપુરબ્રિજ નીચે ઊભો હતો ત્યારે ત્રણેય વ્યક્તિ આવી અને બોલ તારે શું કરવું છે કહી હત્યા કરી ફરાર થઇ ગયા છે. હાલમાં ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવાની કવાયત હાથ ધરી છે.

You might also like