બજારની અનિશ્ચિતતાએ હીરા કારખાનાંઓમાં વેકેશન લંબાયું

અમદાવાદ: મંદીના કારણે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝની પરિસ્થિતિમાં હજુ પણ સુધારો થયો નથી. એક મહિનાના દિવાળી વેકેશન પછી પણ હીરાબજારમાં ખાસ સુધારો નહીં નોંધાતાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ઉત્પાદન કાપના આશરે રહેલા હીરા ઉદ્યોગકારો દિવાળી વેકેશન લંબાવવાના મૂડમાં આવી ગયા છે. જેના કારણે આજથી અમદાવાદ સહિત સુરત અને સૌરાષ્ટ્રમાં ગણતરીની કેટલીક મોટી ફેકટરીઓ જ ખૂલશે.

૮ નવેમ્બરથી દિવાળી વેકેશનની જાહેરાત વચ્ચે ૩૦મીથી ફરી યુનિટ શરૂ કરવાના અણસાર અપાયા હતા. પરંતુ હાલના સંજોગો જોતાં ૩૦ નવેમ્બરે આજે ગણતરીની ડાયમન્ડ ફેકટરી કાર્યરત થશે. જ્યારે અન્ય કારખાના અને ફેકટરીને ફરી રાબેતા મુજબ કાર્યરત થતાં ૧૫થી ૨૦ દિવસ જેટલો સમય લાગશે.

અમદાવાદ સહિતનાં બજારોમાં હીરા વેપારી અને દલાલોની અત્યંત પાંખી હાજરી વચ્ચે દેવદિવાળીથી ડાયમંડ ટ્રેડિંગના કામકાજ શરૂ થયાં છે. જેમાંના કેટલાક બપોર પછી બંધ રહ્યા હતા. પોલિશ્ડ ડાયમંડના ખાસ નોંધપાત્ર ટ્રેડિંગ શરૂ થયા નથી. બીજી તરફ હોંગકોંગના માર્કેટમાં પણ ખાસ કોઈ નોંધપાત્ર ચહલપહલ કે સુધારો નોંધાયો નથી. હજી સુધી ક્રિસમિસ પહેલા અમેરિકન અને યુરોપના બજારમાં ખરીદીનું પ્રમાણ વધવાની શક્યતા છે. જેના કારણે અમેરિકાના બજારમાં થોડો સુધારો નોંધાયો છે.

મંદી વચ્ચે પોલિશ્ડ ડાયમંડનું ઉત્પાદન દિવાળી પહેલાં ચાલું રહ્યું હતું. જેમાં મોટાભાગના યુનિટોમાં રફમાંથી તૈયાર થયેલો પોલિશ્ડ માલ સંગ્રહિત છે. મર્યાદિત ઉત્પાદનના કારણે ટકી રહેલા પોલિશ્ડ ભાવ વચ્ચે હીરા ઉદ્યોગકારો અટવાયા છે. બીજી તરફ દિવાળી વેકેશનમાં વતન ગયેલા રત્ન કલાકારોનો એક મોટો વર્ગ લગ્ન સિઝનના કારણે પરત થયો નથી. ઉપરોક્ત કારણોસર હીરાબજાર રાબેતા મુજબ કાર્યરત થતાં હજુ ૧૫થી ૨૦ દિવસનો સમય લાગશે.

You might also like