વી ટીવી ન્યૂઝ અને સમભાવ મેટ્રોના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 230 શાળાઓમાં શુદ્ધ પાણી માટે નાખવામાં આવેલા આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં છે અને બાળકોને ટાંકીનું ગંદું પાણી પીવું પડે છે. ‘વી ટીવી ન્યૂઝ’ અને ‘સમભાવ મેટ્રો’ના આ અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું. મેયર ગૌતમ શાહ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓને તત્કાલિક આરઓ પ્લાન્ટનું રિપેરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે 178 આરઓ પ્લાન્ટ મેન્ટેનન્સ કરીને શરૂ કરી દેવાયાં છે. જ્યારે 52 આરઓ પ્લાન્ટની રિપેરિંગ કામગીરી શરૂ છે. આ ઉપરાંત મેયરે ખુદ શાળાઓની મુલાકાત લઇને પ્રાથમિક સુવિધાઓનો ચિતાર મેળવ્યો હતો.

મણિનગર શાળા નંબર 6ની મુલાકાત દરમિયાન મેયર ગૌતમ શાહે જણાવ્યુ હતું કે, બાળકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે હાલ તમામ સ્કૂલોમાં સફાઇ તથા પીવાનાં શુદ્ધ પાણીની વ્યવસ્થા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ‘વી ટીવી’ અને ‘સમભાવ મેટ્રો’ના અહેવાલ બાદ તત્કાલ આરઓ પ્લાન્ટનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીની ટાંકીની પણ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. ‘વી ટીવી’ અને ‘સમભાવ મેટ્રો’ના અહેવાલ બાદ એએમસીની શાળાના શિક્ષકો અને બાળકોએ આભાર માન્યો હતો.

You might also like