ઉઝબેકિસ્તાનની યુવતીની નરોડા પોલીસે ગેરકાયદે અટકાયત કરી

અમદાવાદ: જામીન પર મુક્ત થયેલી વિદેશી યુવતીને ગેરકાયદે અટકાયત કરીને નરોડા પોલીસ સ્ટેશનમાં રખાતાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે. મેટ્રો કોર્ટે આ કેસમાં એસઓજીને નોટિસ ઇશ્યૂ કરીને હાજર રહેવાનો આદેશ કર્યો છે. તારીખ 2 ડિસેમ્બર 2016ની રાત્રે ઉઝબેકિસ્તાનની મદિના નામની યુવતી રણાસણ ટોલ પ્લાઝા પાસે રિક્ષામાં બેસી પસાર થતી હતી. તે સમયે બાઇક પર આવેલા બે શખસો અને રિક્ષાચાલક સાથે મળીને યુવતીના મોબાઇલ ફોન અને પર્સને લૂંટી લીધાં હતાં, અને તેને સુમસામ રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા.

આ મામલે રિક્ષા ડ્રાઇવર સહિત ત્રણ શખસ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. નરોડા પોલીસે મદિનાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૩માં ઉઝબેકિસ્તાનથી ભારતમાં એક મહિનાના વિઝા લઇને દિલ્હી એરપોર્ટ પર આવી હતી. ભારતમાં આવ્યા બાદ મદીના દિલ્હીમાં તેની મિત્ર લૈલા સાથે રહેતી હતી. વિઝા પૂરા થયા પછી પણ મદિના ગેરકાયદે ભારતમાં રહેતાં નરોડા પોલીસે વિફોરન એમેન્ટમેન્ટ એક્ટ તેમજ ધી પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

તારીખ 8 ડિસેમ્બર 2016ના રોજ મદિનાના રિમાન્ડ પૂરા થતા તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવી હતી. મદિનાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરતાં તારીખ 27 ફેબ્રુઆરી 2017ના રોજ કોર્ટે તેના જામીન ફગાવ્યા હતા. ત્યારબાદ મદિનાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી હતી જેમાં જજ એસ.એચ વોરાએ તારીખ 23-3-2017ના રોજ મદિનાને શરતી જામીન આપ્યા હતા. એક અઠવાડિયા પહેલાં મદિનાને સેન્ટ્રલ જેલમાંથી છોડી મૂકી હતી.

સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતાંની સાથે જ નરોડા પોલીસે તેની અટકાયત કરી હતી. છેલ્લા એક અઠવાડિયાથી મદિના નરોડા પોલીસ સ્ટેશનમાં રહે છે. ગઇ કાલે મદિનાના વકીલ નિષાર વૈદ્યે મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટની કોર્ટમાં નરોડા પોલીસે મદિનાને ગેરકાયદે ગોંધી રાખવા મામલે અરજી કરી હતી. અરજીના પગલે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.રાણા મદિનાને લઇને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા હતા. જ્યાં મેજિસ્ટ્રેટ એ.આર. તાપિયાવાલાએ એસઓજીના તપાસ અધિકારીને હાજર રહેવા માટે નોટિસ ઇશ્યૂ કરી હતી.

આ મામલે ઝોન 4 ના ડીસીપી ડો.પરીક્ષિતા રાઠોડે જણાવ્યું છે કે મદિનાને કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ ડીટેઇન કરવાનું કહ્યું હોવાની વાત એસઓજીના તપાસનીશ અધિકારીએ નરોડા પોલીસને કરી હતી. જેથી અમે મદિનાની અટકાયત કરી છે. મદિનાને ડીટેઇન કરવાનો એસઓજીએ નરોડા પોલીસને કર્યો હતો. ત્યારે આ કેસમાં તપાસનીશ અધિકારી અને એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે.વડિયાએ જણાવ્યું છે કે મદિનાને જામીન મળ્યા બાદ તેને ડીટેઇન કરવાની કોઇ જાણ નરોડા પોલીસને કરવામાં આવી નથી.

ગઇ કાલે મેટ્રો પોલિટિન કોર્ટમાં મદિનાને ગોંધી રાખવા મામલે પોલીસ વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે. જેમાં કોર્ટે એસઓજી ક્રાઇમને નોટિસ ઇશ્યૂ કરીને હાજર રહેવાનો આદેશ કર્યો છે. કોર્ટમાં અરજી થતાં નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.રાણા બે દિવસની રજા પર ઊતરી ગયા છે.  હાઇકોર્ટે મદિનાને કેસનો નિકાલ આવે નહીં ત્યાં સુધી દેશ છોડી જવો નહીં ફરિયાદ સાથે કોઇ ચેડાં કરવાં નહીં. જ્યાં પણ રોકાય તેનું સરનામું પોલીસ તેમજ કોર્ટને આપવું વગેરે શરતો સાથે જામીન આપ્યા છે.
http://sambhaavnews.com/

You might also like