ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં માર્ગ બંધ, ભારે વરસાદથી સરયૂ નદીમાં ઘોડાપૂર

ઉત્તરાખંડઃ બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હોવાંની ઘટના સામે આવી છે. જેમાં બાગેશ્વરનાં કપકોટમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ બાદ સરયૂ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

સરયૂ નદી ગાંડીતૂર થઈ ગઇ છે અને નદીમાં ભારે ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આ સાથે ભારે વરસાદનાં કારણે લેન્ડસ્લાઈડ થતાં પાર્કિંગમાં ઉભેલા વાહનો પણ દૂર સુધી ઢસડાઈ ગયાં હતાં અને કેટલાંક વાહનો તો નદીમાં પણ ખાબક્યાં હતાં. તો કેટલાંક વાહન કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. ત્યાર બાદ તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ભૂસ્ખલનનાં કારણે માર્ગ બંધ થઈ જતાં કાટમાળ હટાવીને માર્ગ પુનઃ શરૂ કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે ઉત્તરાખંડનાં ટિહરી વિસ્તારમાં નેશનલ હાઈ-વે નં.94 પર ભુસ્ખલન થયાં બાદ ચંબા-ઋષિકેષ હાઇવે બંધ થઈ ગયો છે. જો કે અહીં કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનાં સમાચાર હજી સુધી સામે આવ્યાં નથી. પરંતુ આ દુર્ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. તંત્રએ લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક અઠવાડિયા પહેલાં જ હવામાન વિભાગે ઉત્તરાખંડ અને મણિપુર સહિત 24 જેટલાં રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. એ ચેતવણી બાદ દિલ્હી સહિતનાં અનેક ઉત્તરી રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

You might also like