પવનના સાથ સાથે ઉત્તરાયણની ઊજવણી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વની ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. સવારથી જ પવન અનુકૂળ રહેતા પતંગરિસયાઓએ મનભરીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. સવારથી મોડી સાંજ સુધી એ કાઈપ્યો છે….લપેટ….ની ચિચીયારીઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. એકંદરે આનંદ અને ઉલ્લાસભેર ઉત્તરાયણનું પર્વ સંપન્ન થયુ હતુ. આજે વાસી ઉત્તરાયણ પણ તેટલા જ આનંદથી મનાવવામાં આવી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે સુભાષબ્રિજ પાસે આવેલી શ્રીજી ક્રિશ્ના રેસિડેન્સીમાં પતંગ ચગાવ્યો હતો. અમદાવાદીઓએ વહેલી સવારથી જ ધાબાઓ અને છત પર ચડી જઈને મોડી સાંજ સુધી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. આ વખતે પવન અનુકૂળ રહેતા પતંગરિસયાઓને ભારે મજા પડી ગઈ હતી. નાના બાળકોએ પણ વડીલોની સાથે પતંગના પેચ લડાવવાનો આનંદ માણ્યો હતો.

સવારથી જ શહેરની અનેક સોસાયટીઓ, ફલેટ અને પોળો તેમજ ચાલીઓમાં પતંગ રસિયાઓએ લાઉડ સ્પીકર અને મ્યુઝિક સિસ્ટમની મદદથી સંગીત સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. બપોર સુધીમાં તો શહેરના અનેક વિસ્તારોના વિવિધ ધાબાઓ અને છત પતંગ રસિયાઓથી ભરાયેલી જોવા મળી હતી. સંગીતના તાલે અનેક નાના બાળકો, યુવક અને યુવતીઓ તેમજ વડીલોએ પતંગ ચગાવીને આ પર્વની ઉજવણી કરી હતી. તો વળી કેટલાંક પતંગ રસિયાઓએ માત્ર પતંગ લૂંટવાનો જ આનંદ માણ્યો હતો.

કેટલાંક પતંગ રસિયાઓએ તો તેમની પસંદગી મુુજબની દોરી રંગાવીને ખાસ મિત્ર વર્તુળ સાથે આ પર્વની ઉજવણી કરી હતી. યુવાધનના માનીતા ગણાતા આ પર્વની ઉજવણીનો આનંદ કંઈક અલગ જ હોય છે. કારણ આ પર્વ સતત બે દિવસ મનાવાતું હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષાેથી ઉત્તરાયણ નિમિત્તે આતશબાજી સાથે તુકકલ છોડવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. આ વખતે પ્રતિબંધ હોવા છતાં અનેક લોકોએ તુકકલ છોડીને આનંદ માણ્યો હતો. આ ઉપરાંત કેટલાંક બાળકોએ ફુગ્ગા ચગાવવાની મનભરીને મજા માણી હતી. પતંગો અને રંગબેરંગી ફુગ્ગાથી આકાશમાં અનેરો નજારો જોવા મળ્યો હતો. રાતે આતશબાજી વચ્ચે તુકકલ છોડવામાં આવતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદીઓએ ઊંધિયા, જલેબી અને કચોરીની જ્યાફત માણીને આ પર્વની મનભરીને ઉજવણી કરી હતી. શહેરમાં ઠેરઠેર ઊંધિયા,જલેબી અને કચોરી તેમજ ફાફડા સહિતના અન્ય ફરસાણના સ્ટોલ લાગેલા જોવા મળ્યા હતા. ગઈકાલે શહેરીજનો કરોડો રૂપિયાનું ઊંધિયુ,જલેબી અને કચોરી ઝાપટી ગયા હતા. તો ચિકી, શેરડી, બોર, જામફળ અને કચરિયાનો પણ અનેક લોકોએ ધાબા કે અગાશી પર સ્વાદ માણ્યો હતો.

You might also like