રાવત સરકારે કોહલીને પૂરરાહત ભંડોળમાંથી રૂ. ૪૭ લાખ ચૂકવ્યા

નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોની જાહેરાત પહેલાં ઉત્તરાખંડ સરકાર એક નવા વિવાદના વમળમાં ઘેરાઈ છે. વાસ્તવમાં આરટીઆઈ અરજીના ખુલાસા દ્વારા જાણ‍વા મળ્યું છે કે હરીશ રાવત સરકારે ક્રિકેટ વિરાટ કોહલીને જૂન ૨૦૧૫માં ૬૦ સેકન્ડના એક વીડિયો માટે રૂ. ૪૭.૧૯ લાખ આપ્યા હતા. આ રકમનું પેમેન્ટ ૨૦૧૩માં આવેલા ભયાનક કેદારનાથ પૂરના રાહત ભંડોળમાંથી કરવામાં આવ્યું હતું. કોહલીને એ વખતે ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

આ અંગે આરટીઆઈ અરજી કરનાર કાર્યકર ભાજપના સભ્ય છે. જોકે એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર કોહલીના એજન્ટનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ થઈ ન હતી. બીજી બાજુ મુખ્યપ્રધાન હરીશ રાવતના મીડિયા પ્રભારી સુરેન્દ્રકુમારનું કહેવું છે કે પ્રવાસન એ રાજ્યના અર્થતંત્રની આધારશિલા છે. જો તેને ઉત્તેજન આપવા માટે કોઈ લોકપ્રિય ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમાં ખોટું શું છે ? બધું કાયદાના દાયરામાં જ રહીને કરવામાં આવ્યું હતું. તમામ આક્ષેપો બેબુનિયાદ છે. સુરેન્દ્રકુમારે જણાવ્યું છે કે ભાજપ ઉત્તરાખંડમાં ચૂંટણી હારી રહ્યો હોવાથી પોતાની હતાશા આ પ્રકારના આક્ષેપો કરીને કાઢી રહ્યો છે.

સુરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે કોહલીના પ્રતિનિધિનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી કોઈ રકમ મળી નથી. આ સંદર્ભમાં સંબંધિત વિભાગ પાસેથી ચેકની વિગતો અંગેની માહિતી મેળવવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like