કોંગ્રેસને મોટો ઝટકો, એનડી તિવારી પુત્ર રોહિત સાથે જોડાયા ભાજપમાં

નવી દિલ્હી: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2017ને ધ્યાનમાં રાખીને ભાજપે ઉત્તરાખંડમાં કોંગ્રેસને એક મોટો ઝટકો આપ્યો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી વરિષ્ઠ કોંગ્રેસી નેતા નારાયણ દત્ત તિવારી પોતાના પુત્ર રોહિત સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. એના માટે તેઓ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે પહોંચ્યા. જણાવી દઇએ કે બે દિવસ પહેલા જ યશપાલ આર્ય અને એમના પુત્ર સંજીવે પણ ભાજપ જોઇન્ટ કર્યું હતું.

૯૧ વર્ષના એનડી તિવારી ત્રણ વખત અવિભાજિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. જો કે, યૂપીમાં અખિલેશ યાદવે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો પરંતુ એનડી જેવા અનુભવી નેતાને ખબર છે કે રાજકારણનો પાયો જ્યાં સુધી જનતાના પ્રતિનિધિ તરીકે સ્થાપિત ન થાય ત્યાં સુધી મજબૂત થતો નથી.

વર્ષ ૨૦૦૨ માં ઉત્તરાખંડ રાજ્ય બન્યા બાદ તે ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી આ રાજ્યના પણ મુખ્યમંત્રી રહ્યા છે. વર્ષ ૧૯૮૬ ૧૯૮૭ માં તે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની કેબીનેટમાં વિદેશ મંત્રીના આધાર પર કાર્યરત રહ્યા છે. વર્ષ ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ પદ પર હતા. ૨૦૦૯ માં એક સેક્સ સ્કેન્ડલમાં નામ આવવા પર તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

૨૦૧૪ ચૂંટણી પહેલા એનડી તિવારી સમાજવાદી પાર્ટી સાથે પણ નજદીકી વધી હતી. હાલમાં ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્યારે ઝટકો લાગ્યો જયારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ યશપાલ આર્ય પણ બે દિવસ અગાઉ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. રાજ્યના પૂર્વ સીએમ વિજય બહુગુણા સહીત ૯ કોંગ્રેસ એમએલએ પણ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

નોંઘનીય છે કે ઉત્તરાખંડમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી છે. મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. એવામાં કોંગ્રેસના કદાવર અને સૌથી જુના નેતાઓમાંથી એક ભાજપમાં જતા રહેવાથી પાર્ટીને ઘણું નુકસાન થઇ શકે છે. જો આમ થશે તો ઉત્તરાખંડના જેટલા પણ પૂર્વ સીએમ હશે તે બધા ભાજપના ખેમામાં જોવા મળશે.

You might also like