મૌસમનો બગડ્યો મિજાજ, ઉત્તરાખંડ-હિમાચલ તથા કાશ્મીરમાં બર્ફીલા તોફાનનું એલર્ટ

નવી દિલ્હી: ગુરૂવાર રાતથી શરૂ થયેલા વરસાદ અને બરફ વર્ષાએ ઉત્તર ભારતના લોકો માટે મુસીબત ઉભી કરી દીધી છે. પંજબ અને હરિયાણામાં થોડી થોડીવારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ઉત્તરાખંડના કેદારનાથ, બદ્રીનાથ, જોશીમઠ અને પિથૌરાગઢમાં બરફવર્ષા થઇ રહી છે. સતત થઇ રહેલી બરફવર્ષા બાદ જમ્મૂ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં બર્ફીલા વાવાઝોડાનો ખતરો વધી ગયો છે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ શત્રુધ્ન સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક રાજ્યોમાં સંભવિત બર્ફીલા વાવાઝોડાના ખતરાને લઇને સૂચના મળી છે, જેમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે અને તેના માટે રાજ્યના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, બધા યૂનિટ્સ પણ એલર્ટ પર છે.

હરિયાણામાં કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જીદમાં ભારે કરા પડ્યા, જેથી ઘઉંના પાક નષ્ટ થઇ ગયો છે. રોહતક પણ વરસાદની સાથે કરા પડતાં પાક નષ્ટ થઇ ગયો છે. ખેડૂતોએ સરકાર પાસે 50 હજાર રૂપિયા પ્રતિ એકરના ભાવે વળતરની માંગ કરી છે.

રાજસ્થાનમાં પાક અને ખેડૂતોની સાથે-સાથે પશુ-પક્ષીઓ પર પણ વરસાદનો માર પડ્યો છે. રાજસ્થાનના બીકાનેરમાં કરાની ચપેટમાં આવતાં 12 મોરના મોત નિપજ્યાં છે.

દિલ્હીમાં રવિવારે હવામાન સ્પષ્ટ હતું પરંતુ શનિવારે વરસાદ અને આંધીએ રાજધાનીમાં તબાહી મચાવી. દિલ્હીમાં ઠેર-ઠેર ઝાડ ઉખડી ગયા.

મેરઠમાં વરસાદના લીધે એક બે માળની બિલ્ડીંગ ઢળી પડતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યાં છે, તેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. વારાણસીમાં વિજળી પડતાં ઐતિહાસિક મંદીરોને નુકસાન પહોંચ્યું છે. મણિકર્ણિકા અને સિંધિંયા ઘાટ સ્થિત કાશી કરવટ મંદિર પર વિજળી પડતાં આ મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે.

You might also like