ઉત્તરાખંડ હાઈકોર્ટે કોંગ્રેસના નવ વિદ્રોહી ધારાસભ્યની અરજી ફગાવી

નૈનિતાલ: ઉત્તરાખંડમાં ફ્લોર ટેસ્ટ પૂર્વે ઉત્તરાખંડ હાઈકોર્ટે નવ બળવાખોર ધારાસભ્યની પિટિશન ફગાવી દઈને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે તમામ બળવાખોર ધારાસભ્યને અયોગ્ય જાહેર કર્યા છે અને હવે આ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. આજે બપોરે સુપ્રીમમાં બળવાખોર વિધાનસભ્યોની અરજીની સુનાવણી યોજાશે. ફ્લોર ટેસ્ટના એક દિવસ પૂર્વે ઉત્તરાખંડ હાઈકોર્ટનો આ નરિ્ણય ઘણો મહત્ત્વપૂર્ણ છે. શનિવારે હાઈકોર્ટે આ મામલા પર સુનાવણી બાદ પોતાનો નરિ્ણય અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડમાં ૧૦ મેના રોજ એટલે કે આવતી કાલે મંગળવારે યોજાનારા ફ્લોર ટેસ્ટમાં બળવાખોર ધારાસભ્યોને વોટિંગથી દૂર રહેવા આદેશ કર્યો હતો. શનિવારે વિદ્રોહી ધારાસભ્યો વતી સિનિયર એડ્વોકેટ સી.એ. સુંદરમ્ અને દિનેશ દ્વિવેદીએ દલીલો કરી હતી, જ્યારે સ્પીકર અને ફરિયાદી તરફથી કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલ જેવા વકીલો હાજર રહ્યા હતા.

ન્યાયમૂર્તિ યુ. સી. ધ્યાનીએ બંને પક્ષ વચ્ચે ત્રણ કલાકની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે હવે હું ૯ મેના રોજ સવારે ૧૦.૧૫ કલાકે નરિ્ણય આપીશ. આજે ન્યાયમૂર્તિ યુ. સી. ધ્યાનીની એક જજની બેન્ચે સ્પીકરના આ ધારાસભ્યોના સભ્યપદથી હકાલપટ્ટી સંબંધિત આદેશને બંધારણીય ગણાવ્યો હતો. સ્પીકરે ૨૭ માર્ચના રોજ કોંગ્રેસની અરજી પર આ નવે નવ ધારાસભ્યોનું સભ્યપદ રદ કર્યું હતું.

હરીશ રાવતને મોટી રાહત
ઉત્તરાખંડ હાઈકોર્ટે આજે નવ બળવાખોર ધારાસભ્યનું વિધાનસભ્યપદ રદ કરીને તેમની અરજી ફગાવી દેતાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતને મોટી રાહત મળી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટના આજના ચુકાદાના પગલે બળવાખોર ધારાસભ્યો હવે આવતી કાલે ફ્લોર ટેસ્ટમાં મતદાન કરી શકશે નહીં. રાવતને હવે બહુમતી સાબિત કરવા માટે માત્ર ૩૨ ધારાસભ્યના સમર્થનની જરૂર પડશે. જે તેમના માટે ઘણું સહેલું હોવાનું માનવામાં આવે છે.

કોંગ્રેસના જે નવ બળવાખોર ધારાસભ્યને ઉત્તરાખંડ હાઈકોર્ટે આજે સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠરાવીને અયોગ્ય જાહેર કર્યા છે તેમાં અમૃતા રાવત, હરખસિંહ રાવત, પ્રદીપ બત્રા, પ્રણવસિંહ, શૈલારાની રાવત, શૈલેન્દ્ર મોહન સિંઘલ, સુબોધ ઉનિયાલ, ઉમેશ શર્મા અને વિજય બહુગુણાનો સમાવેશ થાય છે.

You might also like