ઉત્તરાખંડના સાત જિલ્લામાં મુશળધાર વરસાદઃ એલર્ટ જારી

દહેરાદૂન: ઉત્તરાખંડના સાત જિલ્લામાં મુશળધાર વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને હજુ પણ ૩૬ કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી થતાં હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓને હિમપાત થવાની આગાહી સાથે એલર્ટ રહેવા ચેતવણી આપી દીધી છે. ભારે વરસાદથી પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનનો ખતરો પણ ઊભો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કુમાઉના ચાર અને ગઢવાલના ત્રણ જિલ્લામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન દિલ્હીમાં પણ વરસાદ પડતાં રોડ પર પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

હવામાન વિભાગના વડા વિક્રમસિંહે જણાવ્યું કે ઉત્તરાખંડના સાત જિલ્લાનાં મોટા ભાગનાં સ્થળોએ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે, જ્યારે આ સિવાય અલમોડા, બાગેશ્વર, ચમોલી, રુદ્રપ્રયાગ, તિહરી અને ઉત્તર કાશીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર છેલ્લાં ૨૪ કલાકમાં ઉખીમઠમાં ૬૦, કોટદ્વાર, લૈંસડૌનમાં ૪૦-૪૦ અને જખોલી, રુદ્રપ્રયાગ અને બડકોટમાં ૩૦-૩૦ ‌િમમી વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ પણ તબક્કાવાર વરસાદ પડે તેવી સંભાવના છે, તેમાંયે ૨૪ કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે કુમાઉના મોટા ભાગના વિસ્તારમાં તાપમાન સામાન્ય રહે તેવી આગાહી છે, જોકે આ વિસ્તાર સિવાય અન્ય ભાગોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં પણ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. છેલ્લા ૨૪ કલાકમાં હલ્દવાની, વનવસા, કુમાઉ સહિતના અન્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફ છવાયો
ઉત્તરાખંડના સાત જિલ્લામાં મુશળધાર વરસાદ થતાં હાલ આ વિસ્તારોમાં હરિયાળી છવાઈ છે તેમજ આ વિસ્તારના પહાડી પ્રદેશમાં જાણે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેમ મોટા ભાગના પહાડી પ્રદેશમાં બરફ છવાઈ ગયો છે. તેના કારણે હાલ વાતાવરણ ભારે આહ્લાદક લાગી રહ્યું છે. હાલ કેદારનાથમાં મેરુ સમેરુ પર્વતની હારમાળા બરફથી ઢંકાઈ ગઈ છે, જોકે આવા આનંદ વચ્ચે હજુ પણ ભારે વરસાદની આગાહી થઈ હોવાથી આ વિસ્તારના લોકોને સતત સતર્ક રહેવા જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત બદરીનાથ, હેમકુંડ અને રુદ્રનાથની ટોચ પર હિમપાત થતાં આ વિસ્તારમાં આવેલા અનેક પ્રદેશમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે, જેના કારણે આ વિસ્તારમાં ઠંડી વધી જાય તેવી શક્યતા છે.
દિલ્હીમાં વરસાદે ગરબાની મજા બગાડી
દરમિયાન દિલ્હીમાં પણ ગઈ કાલે રાતે શરૂ થયેલા વરસાદથી નવરાત્રિની મજા માણતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતા તેમજ વરસાદથી રોડ પર પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારમાં ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં એકાએક વરસાદ પડતાં ગરબા જોવા નીકળેલા લોકો દોડધામ કરતા જોવા મળી રહ્યા હતા.

You might also like