દેશનાં દુશ્મન જેવો હાર્દિક સાથે વ્યવહાર, લોકતંત્રમાં સરકારની તાનાશાહીઃ હરીશ રાવત

અમદાવાદઃ હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પર આજે ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે મુલાકાત લીધી છે. આ મુલાકાત બાદ ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે સરકારને આડેહાથ લીધી હતી. આજે હાર્દિક પટેલનાં ઉપવાસનો 18મો દિવસ છે. રાવતે જણાવ્યું હતું કે, લોકતંત્રમાં કેન્દ્ર સરકારની તાનાશાહી જોવાં મળી રહી છે. હાર્દિક પટેલ છેલ્લાં ઘણા લાંબા સમયથી અનામત અને ખેડૂતોનાં દેવા માફી મુદ્દે સંઘર્ષ કરી રહેલ છે.

ત્યારે સરકાર હજી જાણી જોઇને આ મામલે કોઈ જ નિર્ણય નથી કરતી. કારણ કે સરકાર ઈચ્છે છે કે, હાર્દિકની કિડની ખરાબ થાય અને ભવિષ્યમાં તેની સામે અવાજ ના ઉઠાવે. હરિશ રાવતની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં ધારાસભ્યો પણ જોવાં મળ્યાં હતાં. હરીશ રાવતે હાર્દિકનાં વખાણ કરતા જણાવ્યું હતું કે, હાર્દિક જેવાં યુવાનોની દેશને જરૂર છે. હું હાર્દિકને પારણાં કરવાની અપીલ કરું છું. તો ખેડૂતોનાં દેવાં માફી મુદ્દે હરીશ રાવતે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડૂતોનાં દેવા માફ કર્યા છે. પંજાબ અને કર્ણાટકમાં પણ દેવા માફી કરવામાં આવી છે.

ઉપવાસને લઇને તેને પારણાં કરવા માટે હરીશ રાવતે સમજાવ્યો હતો. વીટીવી સાથે થયેલી વાતચીતમાં તેઓએ કહ્યું કે, જો જીવીશું તો લડી શકીશું. આ સરકાર લોકતંત્રનું હનન કરી રહી છે. અમે લોકતંત્રને બચાવવા પ્રયાસ કરીશું.

હાર્દિક સાથેની મુલાકાત બાદ ઉત્તરાખંડનાં પૂર્વ CM રાવતે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની તાનાશાહી લોકતંત્રમાં જોવાં મળી રહી છે. હાર્દિક પટેલ ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરે છે. કોંગ્રેસ પાર્ટીએ દેશનાં ખેડૂતો માટે દેવા માફીની માગ કરી છે.

રાજ્ય સરકાર પર આરોપ લગાવતાં તેઓએ કહ્યું કે, હાર્દિકની કિડની પર પણ અસર થાય તેવી રાજ્ય સરકારની ઇચ્છા છે. સરકાર જાણી જોઇને કોઇ જ પગલાં ભરતી નથી. જાણે કે દેશનાં દુશ્મન હોય તેવો વ્યવહાર હાર્દિક સાથે થાય છે. હાર્દિક દેશનો સૌથી મોટો દુશ્મન હોય તેવો છાવણીમાં માહોલ જોવાં મળી રહ્યો છે. આંદોલન કરવાથી કોઇને રોકી ન શકાય. હાર્દિકનું જીવન લોકતંત્ર માટે જરૂરી છે.

You might also like