ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકાઃ ઉત્તર કાશીમાં એપી સેન્ટર

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો ઘરમાંથી એકાએક બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ રહી હતી, જોકે ભૂકંપથી કોઈ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી. આ ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં હતું.

આ અગાઉ ગત ૧૨ ફ્રેબ્રુઆરીએ પણ ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે વખતે ભૂકંપની તીવ્રતા ૩.૨ રહી હતી ત્યારે આજે ફરી ઉત્તરાખંડમાં ભૂકંપ આવતાં હવામાન વિભાગે આ વિસ્તારમાં આજે અને આવતી કાલે ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આ‍વ્યું છે. ખાસ કરીને દહેરાદૂન, પૌડી, નૈ‌નિતાલ અને ઉધમસિંહનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં ‍આવી છે. આ દરમિયાન પ્રતિકલાક ૭૦ કિમીની ઝડપે પવન ફંુકાય તેવી શક્યતા છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટનાને નિવારવા પગલાં લેવા તૈયારી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા જેટલી વધુ હોય તેટલા જ આંચકા વધુ અનુભવાતા હોય છે ત્યારે વધુ તીવ્રતા સાથે ભૂકંપ આવે તો તેની સામે કેવાં પગલાં લેવાં તે અંગે આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ચાર માસ બાદ ફરી ભૂકંપના આંચકા અનુભવાતાં આ વિસ્તારમાં રહેતા લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે.

You might also like