ઉત્તરાખંડનો દાવાનળ જમ્મુ-કાશ્મીર સુધી પહોંચ્યોઃ ગ્લેશિયર પર ખતરો

દહેરાદૂન: ઉત્તરાખંડની આગ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સુધી પહોંચી ગઇ છે. બે મહિના કરતાં વધુ સમયથી આ દાવાનળ ભભૂકી રહ્યો છે. હજુ આગ કાબૂમાં આવતી નથી. વિવિધ વિભાગોના ૧૦,૦૦૦થી વધુ લોકો આગને બુઝાવવા કાર્યરત છે. અત્યાર સુધીમાં ૧૩૧૭ જંગલોમાં આગની જ્વાળાઓ ભભૂકી રહી છે, જેનાથી ર૮૭૬ હેકટર વિસ્તાર પ્રભાવિત થયો છે.

એકલા હિમાચલમાં આગની ૩૭૮ ઘટનાઓ સામે આવી છે અને ૩,૦૦૦ હેકટરમાં વનસ્પતિ, વન્ય જીવો અને સજીવ સૃષ્ટિનો નાશ થયો છે. મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા અનુસાર તાપમાનમાં એકાએક વધારો અને દીર્ઘકાલીન દુષ્કાળના કારણે જંગલમાં આગની ઘટનાઓ ઘટી રહી છે. હિમાચલ પ્રદેશમાં સોલન, સિરમોર, બિલાસપુર, કાંગરા, હમીરપુર અને ‌િસમલાના કેટલાક નીચેના વિસ્તારો આગની લપેટમાં આવી ગયા છે.

આગની જ્વાળાઓ સતત વધુ ને વધુ ફેલાતી જાય છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી, રિયાસી અને કઠુઆ જિલ્લામાં પણ આગ ભભૂકી રહી છે. આગને ઓલવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. વિકરાળ આગના કારણે તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ આપત્તિ સામે કામ લેવા માટે ર૩ કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા છે. હાલ ૪૦ માસ્ટર કંટ્રોલરૂમ અને ૧૧૬૬ અગ્નિશામક દળ અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે.

આગના કારણે ઓઝોન આવરણ પર અસર પડી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચારથી પાંચ મહાનગર એક વર્ષમાં પર્યાવરણને જેટલું નુકસાન પહોંચાડે એટલું નુકસાન માત્ર બે કલાકની જંગલની આગથી થાય છે.

ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં ભભૂકી રહેલા દાવાનળની અસર ગ્લેશિયર પર પણ પડવાનો ખતરો ઊભો થયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જંગલમાં લાગેલી આગને કારણે પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન લેયરને નુકસાન પહોંચાડીને ગ્લોબલ વોર્મિંગ વધારી દેશે. બ્લેક કાર્બનના કારણે ગ્લેશિયર ઓગળવા લાગશે.

You might also like