કેદારનાથ આપત્તિ ભંડોળના કરોડો રૂપિયા સીઅેમ રાવતે અંગત પ્રચારઅર્થે ઉડાવ્યા

દહેરાદૂન: ઉત્તરાખંડના મુુખ્યપ્રધાન હરીશ રાવત પર આપત્તિ રાહત ભંડોળના કરોડો રૂપિયા પોતાના અંગત પ્રચાર અને બ્રાન્ડિંગ પાછળ ખર્ચવાનો આક્ષેપ મુખ્ય વિરોધ પક્ષ ભાજપે કર્યો છે. ભાજપે ઉત્તરાખંડમાં ર૦૧૩માં થયેલી કુદરતી હોનારતથી પ્રભાવિત લોકો માટે આવેલાં નાણાંની ગેરકાયદે હેરાફેરી કરવા બદલ હરીશ રાવત સામે કેસ દાખલ કરવાની માગણી કરી છે.

કેદારનાથ પર સિરિયલ બનાવવા માટે સૂફી ગાયક કૈલાસ ખેરને કુદરતી આપત્તિ રાહત ભંડોળમાંથી રૂ.૧ર કરોડ ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરતાં રાજ્ય ભાજપના પ્રવકતા મુન્નાસિંહ ચૌહાણે અત્રે જણાવ્યું હતું કે કુદરતી આફતથી પ્રભાવિત લોકો માટે એકત્રિત કરાયેલ નાણાં ભંડોળ કોઇ અન્ય કાર્ય માટે ખર્ચવાનું પગલું હાઇકોર્ટ દ્વારા આ સંદર્ભમાં જારી કરાયેલી સૂચનાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને તેથી તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઇએ.

આપત્તિ રાહત ભંડોળ સાથે ચેડાં કરીને તેનો મનોરંજનના નામે ખર્ચ કરવો એ એક ગુનાઇત કૃત્ય છે એવું જણાવીને ચૌહાણે જણાવ્યું હતું કે આ અપરાધ માટે મુખ્યપ્રધાન રાવત અને રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન સામે કાનૂની દાવો દાખલ કરવો જોઇએ. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં અનાથ થઇ ગયેલાં બાળકોના શિક્ષણને સૂફી સંગીતથી કોઇ મદદ મળશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે આ રૂ.૧ર કરોડનો ઉપયોગ આફતગ્રસ્ત કેદારપુરીમાં પુનઃનિર્માણ કાર્ય માટે થવો જોઇતો હતો, જોકે ભાજપના પ્રવકતાના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન રાવતે સિરિયલનું નિર્માણ કેદારનાથના પ્રચાર માટે કરવામાં આવ્યું હોવાની દલીલને ફગાવી દેતાં જણાવ્યું હતું કે કેદારનાથ એ સદીઓ જૂનું મંદિર અને આસ્થાનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કેન્દ્ર છે. તેને પ્રચારની કોઇ જરૂર નથી.

You might also like