ઉત્તરાખંડમાં 22મીએ વિધાનસભા સત્ર બોલાવવા બળવાખોર નેતાની માગ

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં સરકાર બનાવવાના મુદ્દે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય હરકસિંહ રાવતે રાજ્યપાલને પત્ર લખીને ૧૨મી માર્ચના રોજ વિધાનસભા સત્ર બોલાવાની માગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે જો આવું નહીં થાય તો કોંગ્રેસ સરકાર ધારાસભ્યોની લે-વેચ કરી શકે છે.
હરકસિંહ રાવતના પત્ર પર હજુ સુધી રાજ્યપાલ ડોક્ટર કૃષ્ણકાંત પાલ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જોકે બીજી બાજુ હરીશ રાવત સરકારે હરકસિંહ રાવતને આંચકો આપવાનો પ્લાન કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હરીશ રાવત સરકારે છ મંડી સમિતિના અધ્યક્ષો બદલવાની તૈયારી કરી દીધી છે. એવું જણાવાય છે કે આ અધ્યક્ષ હરકસિંહ રાવતના નિકટના માણસ છે.
ઉત્તરાખંડમાં રાજકીય સંકટ વચ્ચે ૨૮ માર્ચ સુધી ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરતાં પહેલા કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર પોતાના ધારાસભ્યોને સંગઠિત રાખવાનો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે રવિવારે હરીશ રાવતને ટેકો આપનાર ધારાસભ્યોને જિમ કોર્બેટ પાર્કમાં મોકલી આપવામાં આવ્યા છે. કોંગ્રેસ બહુમતી સાબિત થાય ત્યાં સુધી કોઈ જોખમ લેવા માંગતી નથી.
એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસ ધારાસભ્યોની સાથે પ્રગતિશીલ લોકતાંત્રિક મોરચા (પીડીએફ)ના કેટલાક ધારાસભ્યોને પણ આ પાર્કમાં મોકલી આપવામાં આવ્યા છે. વિધાનસભા સચિવ જગદીશ ચંદ્રએ તમામ ધારાસભ્યોને પત્ર લખીને ૨૮ માર્ચના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે સરકારના શક્તિ પરીક્ષણ માટે હાજર રહેવા જણાવ્યું છે.
બળવાનો સામનો કરી રહેલા ઉત્તરખંડના મુખ્યપ્રધાન હરીશ રાવતે ધારાસભ્યોની ખરીદીના ડરથી સરકારને ટેકો આપતા કોંગ્રેસ અને પીડીએફના વિધાયકોને આ રીતે નૈનિતાલ ખાતે આવેલા જિમ કોર્બેટ પાર્કમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્રણ ખાનગી હેલિકોપ્ટર દ્વારા આ ધારાસભ્યોને આ સિક્રેટ લોકેશન પર પહોંચાડવામાં આવ્યાં છે.
દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે પૈસા અને પાવરના જોરે ધારાસભ્યોની લે-વેચ કરીને સરકાર ઉથલાવવી એ ભાજપનું નવું મોડલ છે. પહેલાં અરુણાચલ અને હવે ઉત્તરાખંડ. લોકશાહી અને સંવિધાન પર હુમલો કરવો એ ભાજપનો નવો ચહેરો છે. હરીશ રાવતે જણાવ્યું હતું કે મોદીજીને હું હોળીનું શુભેચ્છાઓ પાઠવું છું. તેમને કહેવું ઈચ્છું છું કે લોકતંત્રની હત્યા કરીને હોળી ન રમો.

You might also like