ઉતરાખંડમાં વાદળ ફાટતા 30નાં મોત : સેંકડો મકાન જમીન દોસ્ત

દેહરાદુન : ચોમાસુ શરૂ થતાની સાથે જ ઉતરાખંડમાં પણ દુર્ઘટનાઓનો દોર ચાલુ થઇ ગયો છે. ઉતરાખંડમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભુસ્ખલે ફરી એકવાર તબાહી મચાવી દીધી છે. અહીં ચમોલી અને પિથોડાગઢ જિલ્લા સહિત અલગ અલગ સ્થળો પર ભારેવરસાદ અને વાદળ ફાટવાનાં કારણે મૃતકોની સંખ્યા 30 પહોંચી ગઇ છે. વરસાદ અને ભુસ્ખલનને કારણે 20 જેટલા મકાન પણ જમીન દોસ્ત થઇ ચુક્યા છે. અલકનંદા ખતરાનાં નિશાનથી ઉપર વહી રહી છે. ચમોલીથી ચાર લોકોનાં શબ અને ડીડીહાટ ખાતેથી પાંચ લોકોનાં શબ મળી આવ્યા છે.

ચમોલી જિલ્લાનાં ઘાટ વિસ્તારમાં પુરનાં કારણે કેટલાય મકાનો તણાઇ ગયા છે. કેટલાય અસ્થાઇ પુલ વરસાદનાં કારણે તણાઇ ગયા હતા. ઉપરાંત કેટલાય લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની પણ માહિતી મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પુર, ભુસ્ખલન અને વાદળ ફાટવાનાં કારણે મૃતકોનાં પરિવાર પ્રત્યે ઉંડા દુખની લાગણી પ્રકટ કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે એનડીઆરએફની ટીમ વાદળ ફાટવાનાં કારણે પ્રભાવિત વિસ્તારમાં મદદ માટે મોકલી દેવામાં આવી છે.

રાજનાથે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે મુખ્યમંત્રી હરીશ રાવત પાસે સમગ્ર વિસ્તારની સ્થિતી અંગે જાણકારી લીધી છે. કેન્દ્ર સરકાર દરેક સંભવ મદદ કરવા માટે તત્પર છે. બીજી તરફ મુખ્યમંત્રી હરીશ રાવતે મૃતકોનાં પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દરેક પરિસ્થિતી પર તે વ્યક્તિગત્ત રીતે નજર રાખી રહ્યા છે. વિવિધ ટીમ બનાવાઇને પ્રભાવિત વિસ્તારોમાં મોકલી અપાઇ છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

You might also like