દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં તાપમાનનો પારો વધતાં ચંપાવત, પિથોરાગઢ, અલમોડા અને નૈનિતાલનાં ૧૨૦ સ્થળો પર ૨૦૦ હેક્ટરના જંગલમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી છે અને જંગલોને ભસ્મ કરીને આ આગ હવે ઉત્તરાખંડનાં ગામડાંઓ સુધી પહોંચી રહી છે. જંગલોની આગના કારણે છ લોકોનાં મોત થયાં છે અને મહિલા સહિત ૧૪ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જંગલોમાં ભભૂકી રહેલી આગના કારણે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
રાજ્યના ૪૫૦૦ જેટલા વન કર્મચારીઓ આ આગની ઘટના પર નજર રાખી રહ્યા છે. વન વિભાગ પાસે આગને કાબૂમાં લેવા માટે પૂરતી વ્યવસ્થા નહીં હોવાના કારણે ગ્રામજનો સ્વયંને આગથી બચાવવા માટે પગલાં લઈ રહ્યા છે. રાજ્યપાલ દ્વારા આગની આપત્તિ સામે કામ લેવા માટે રાજ્યના વન વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ માટે હેલ્પ લાઈન નંબર ૯૨૦૮૦૦૮૦૦ શરૂ કરવામાં આવ્યો છે.
પૌડીથી કોટદ્વાર જઈ રહેલી એક જીપ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સ્વયંને બચાવવા માટે જીપમાંથી ઊતરીને દોડી રહેલા સાત પ્રવાસીઓ દાઝી ગયા હતા, જોકે જીપમાં બેઠેલા અન્ય પાંચ યાત્રીઓ સુરક્ષિત છે. આ તમામને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. એક મહિલા ગંભીર રીતે ૬૦ ટકા દાઝી ગઈ છે.
મુખ્યપ્રધાન હરીશ રાવતે રાજ્યપાલને પત્ર લખીને ઉત્તરાખંડને અગ્નિ-આપત્તિપીડિત રાજ્ય જાહેર કરવા માગણી કરી છે. રાવતે આગ પર કાબૂ લેવા માટેનાં સૂચનો પણ રાજ્યપાલને મોકલ્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. વિક્રમસિંહના જણાવ્યા અનુસાર જે વિસ્તારના તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થયો છે એ વિસ્તારમાં આગ લાગી છે.