ઉથલપાથલના એપિસેન્ટર એવા ઉત્તરપ્રદેશનો જનાદેશ કેવો હશે?

નવી દિલ્હી : ચૂંટણીપંચને પૂછવામાં આવે છે કે સમગ્ર દેશમાં કયું રાજ્ય એવું છે જેમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવાની કવાયત સૌથી કઠિન રહે છે. તો જવાબ એક જ હોઇ શકે-ઉત્તરપ્રદેશ! ઉત્તરપ્રદેશ એ એવું રાજ્ય છે જે ભારતના ઉથલપાથલ થતા, પરિવર્તન પામતા કે ઉન્નતિ-અવનીતિની દિશા બદલતા રાજકારણનું એપિસેન્ટર છે. આજ સુધી ભારતના વડા પ્રધાનોમાં સૌથી વધારે આ જ પ્રદેશમાંથી આવેલા છે. વિસ્તાર અને વિવિધતાની સાથે વિચિત્રતામાં પણ આ રાજ્યની સરખામણી બીજા કોઇ રાજ્ય સાથે થઇ શકે તેમ નથી.

હાલ આ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરં થઇ ગયું છે અને હવે ચાર-ચાર દિવસના અંતરે બીજા છ તબક્કામાં મતદાન બાદ ૧૧મી માર્ચે મતગણતરી બાદ શું પરિણામ આવે છે, તે જોવા આખો દેશ આતુર બન્યો છે. આ વખતની ચૂંટણીમાં શું મહત્ત્વની બાબત કેન્દ્રસ્થાને રહેશે, તે સમજવા ચૂંટણી નિષ્ણાતોમાં પણ સ્પષ્ટ મત વર્તાતો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે એક પણ રાજકીય પક્ષ પોતાની જીત માટે શ્રદ્ધા ધરાવતો નથી.

ચૂંટણીમેદાનમાં મોટા નેતાઓની સભામાં જે મુદ્દાઓ ચર્ચાય છે, તેનાથી સાવ જુદા મુદ્દાઓની સ્થાનિક સ્તરે ચર્ચા સાંભળવા મળે છે. રાજકીય જોડાણો, પક્ષોમાંની આંતરિક જૂથબંધી, વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષી નેતાઓની ચાલબાજી ઉપરાંત નોટબંધી, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી, હિન્દુત્વ, મુસ્લિમ કાર્ડ, દલિત કાર્ડ જેવા મુદ્દાઓના વા-વંટોળમાં ક્યાંય રાજ્યના વિકાસની રૂપરેખા કે મોદીલહેર પર મદાર રાખવાનું સાહસ કોઇ પક્ષે કર્યું હોવાનું દેખાતું નથી.

હાલ સત્તામાં રહેલી સમાજવાદી પાર્ટીના અખિલેશસિંહે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે પણ મુલાયમસિંહ, શિવપાલસિંહ અને અમરસિંહની મંડળી જુદીજુદી દિશામાં ખુલ્લેઆમ ચાલે છે. ભારતીય જનતા પક્ષ મહદ્ અંશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકનિષ્ઠા અને કાર્યદક્ષતાને આગળ કરી રાજ્યમાંથી ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી ખતમ કરવા પર ભાર મૂકી રહ્યો છે, પરંતુ કટ્ટર હિંદુવાદી માનસ ધરાવતા ગોરખપુરના યોગી આદિત્યનાથ જેવા નેતાઓ હાઇકમાન્ડને ભીંસમાં લેતા રહેવાના પેંતરાઓમાં મશગૂલ છે. બહુજન સમાજવાદી પાર્ટી જાણે માત્ર મુસલમાનોની ફોજ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધીને ભલે સ્ટાર પ્રચારકની યાદીમાં સમાવાયાં, પરંતુ અમેઠી-રાયબરેલી સિવાયના મતવિસ્તારોમાં પણ ધૂંઆધાર પ્રચાર કરશે તેવી ગણતરીઓ સાચી ઠરી નથી. અખિલેશનાં પત્ની ડિમ્પલ અને ભાજપનાં સ્મૃતિ ઇરાની મતદાતાઓને આકર્ષે જરૂર છે, પરંતુ કેટલાં કામિયાબ નીવડશે તે અંગે પક્ષો સાશંક છે.

ઉત્તરપ્રદેશમાં ૯૦૭૪૧ જેટલાં મતદાન કેન્દ્રો અને ૧૪૭૧૪૮ જેટલાં બૂથ પર લોકો નિષ્પક્ષ અને નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ સજ્જ છે. કેન્દ્ર સરકારે ૧૦૦૦ જેટલી અર્ધ સૈનિક દળોની કંપનીઓ આપી છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળે છે. રાજ્યમાં પાંચ હજારથી પણ વધારે વોન્ટેડ ગુનેગારો છે તેમાંથી ૨૦૦૦ જેટલા ગુંડાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તડીપાર કરાયેલાં તત્ત્વો પણ મોટી સંખ્યામાં છે. તે સ્વાભાવિક છે કે દાયકાઓથી ગુંડાગીરી-દાદાગીરી કરતાં તત્ત્વોનું જોર વધી ગયેલું હોવાથી આજે પણ ખુલ્લાં ફરતાં દબંગ તત્ત્વો, ગેરકાયદે શસ્ત્રોની હેરાફેરી અને દારૂ-નાણાંનો દુરુપયોગ સંપૂર્ણપણે અંકુશમાં લાવવો કઠિન બની રહ્યો છે.

સૌથી અફસોસજનક બાબત એ છે કે ચૂંટણી એ લોકશાહીનું પર્વ કહેવાય છે, પરંતુ આ પર્વની ઉજવણીમાં નેતાઓની ભાષા અને રાજકારણ દિવસેદિવસે નિમ્ન સ્તરે ઊતરી રહ્યાં છે. રાજકીય અખાડામાં નર્યો કોલાહલ અને મલિન આક્ષેપબાજીઓને જોઇ-સાંભળી રહેલી ઉત્તરપ્રદેશની જનતા કેવો જનાદેશ આપશે તે આજની તારીખે કોઈ પણ માટે અકળ છે. રાહતની વાત એ છે કે સદ્નસીબે આપણી ચૂંટણીઓ લોહિયાળ બનતી નથી. બારમી માર્ચનો સૂર્યોદય ભારતની લોકશાહી માટે શું સંદેશ લઇને આવશે તેની આતુરતા સાથે આજે તો રાજ્યનો દરેક નાગરિક ચિંતિત ને સાશંક જણાય છે તે હકીકત છે.

You might also like