ગાઝિયાબાદ પાસે જાનની કાર નાળામાં ખાબકતાં સાતનાં મોત

ગાઝિયાબાદ: દિલ્હી નજીકના ગાઝિયાબાદ પાસે જાનની કાર નાળામાં ખાબકતાં કારમાં બેઠેલા વરરજાના પિતા સહિત સાત વ્યકિતનાં મોત થયાં છે. આ બનાવથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગઈ કાલે સાંજે ગાઝિયાબાદના અકબરપુરના બહેરામપુરના રહીશ રવિ રસ્તોગીની જાન નોઈડાના ખોડા જવા માટે નીકળી હતી. ત્યારે કારમાં રવિના પિતા અને અન્ય ૧૨ લોકો ટાટા સુમોમાં બેસીને હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે હાઈવે પર ટ્રાફિક જામના કારણે કાર ચાલકે બ્રેક મારી કાર ઊભી રાખી દીધી હતી. આ દરમિયાન કાર ચાલક ફોન પર વાત કરતો હતો. અને કાર હાઈવે પરથી ધીમે ધીમે રોડ નજીકનાં ૨૦ ફૂટ નાળામાં સરકવા લાગી હતી.

 

જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વરરાજાના પિતા સહિત સાત લોકોનાં મોત થયાં હતાં. આ દરમિયાન કાર પાછળ આવી રહેલા અન્ય જાનૈયાએ આ ઘટના જોઈ તેઓ નાળામાં કૂદી પડ્યા હતા. અને કાચ તોડી એક મહિલાને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ ઘટનામાં વરરાજાના પિતા દુર્ગાપ્રસાદ રસ્તોગી, વરરાજાના દાદા ઈન્દ્રપ્રકાશ રસ્તોગી અને તેમના મોટા પુત્રનાં તમામ પરિવારજનોનાં મોત થયા હતા. આ ઉપરાંત વરરાજાનાં બે ભાણેજનાં પણ મોત થયાં હતાં.

 

આ અંગે અેવો આક્ષેપ થઈ રહ્યો છે કે પોલીસને ફોન લગાવવા છતાં પોલીસ મોડેથી આવી હતી. ૧૦૦ નંબર પર જલ્દી ફોન લાગ્યો ન હતો. જેના કારણે આ દુર્ઘટનામાં લોકોનાં મોત થયાં છે. બનાવમાં સાત લોકોનાં મોત થયા બાદ તમામના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ બનાવ બાદ જે પરિવારમાં લગ્નનો આનંદ જોવા મળતો હતો તે એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like