યુપીમાં વિવાદ યથાવત્ઃ હવે મહાગઠબંધન રચવાનો દાવ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી ઊભા થયેલા આંતરિક કલહ વચ્ચે નવી દિલ્હી આવેલા શિવપાલ યાદવે જણાવ્યું હતું કે હાલમાં સમાજવાદી પાર્ટીમાં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેને જોતાં આગામી ચૂંટણી પહેલાં પાર્ટી તરફથી સમાન વિચારધારા વાળી પાર્ટીઓને સાથે રાખી બિહારની જેમ મહાગઠબંધનની રચના કરવામાં આવે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે. ત્યારે બીજી તરફ આઝમ ખાને જણાવ્યું હતુ કે સપામાં જે પ્રકારે ધમસાણ મચ્યું છે તેને જોતાં મુસ્લિમો દ્વિધામાં છે કે તેમણે કોની તરફ રહેવું. આવી સ્થિતિમાં ભાજપે પણ સર્જિકલ સ્ટ્રાઈકનો લાભ ઉઠાવવા અલગ પ્રકારે જ રણનીતિ ઘડવાની તૈયારી આરંભી દીધી છે.
દરમિયાન શિવપાલ યાદવે પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતા રામગોપાલ યાદવ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે બિહારની ચૂંટણી વખતે પણ મેં આવી કોશિશ કરી હતી પણ સીબીઆઈના ડરથી રામગોપાલે મારા પ્રયાસો પર પાણી ફેરવી દીધું હતું. તેમણે અખિલેશને ટકોર કરતા જણાવ્યું હતું કે તેઓ તેમના પિતાનું સન્માન કરે. તેમણે જે ધારાસભ્યો શિસ્તભંગ કરશે તેમની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. મુખ્યપ્રધાન પદના ઉમેદવાર અંગે તેમણે જણાવ્યુ કે હું પણ આ મુદે નેતાજીના વિચાર સાથે સંમત છુ. ચૂંટણી બાદ જ ધારાસભ્યો જ મુખ્યપ્રધાન નકકી કરશે.

શિવપાલ યાદવે જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવની પણ મુલાકાત લીધી હતી. આ અગાઉ પણ તેમણે જેડીયુના મહાસચિવ કે.સી.ત્યાગીની મુલાકાત લીધી હતી. અને હવે તેઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓની પણ મુલાકાત લેવાના હોવાનું જાણવા મળે છે. જોકે હાલ આવી મુલાકાત તેઓ સપાની રજત જયંતી સમારોહના આમંત્રણ માટે લેવાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ એવી પણ ચર્ચા ચાલે છે કે તેઓ આમંત્રણના બહાને યુપીમાં મહાગઠબંધન રચવાના પ્રયાસ કરી રહ્યા છે.

અખિલેશ યાદવના કાકા શિવપાલે અખિલેશને સંબોધી જણાવ્યું કે તેઓ કોઈની ઉશ્કેરણીમાં આવી ન જાય. હું પાર્ટી માટે ગમે તે કરવા તૈયાર છું અને મારે મુખ્યપ્રધાન સાથે કોઈ લેવા દેવા નથી. હું તો પ્રદેશ પ્રમુખ છું. તેમણે જણાવ્યું કે પરિવાર એક પાર્ટી છે.  સપાના મહાસચિવ આઝમ ખાને એક પત્ર પાઠવી મુસ્લિમોની વેદના વ્યકત કરતાં જણાવ્યું હતું કે યાદવ પરિવારમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેના કારણે મુસ્લિમો સૌથી વધુ પરેશાન છે. કારણ તેમને તેમનું ભાવિ અંધકારમય નજરે પડી રહ્યું છે. તેમનું સ્વપ્ન રોળાતું હોય તેમ લાગી રહ્યું છે. આઝમે વધુમાં જણાવ્યુ કે દુઃખની વાત એ છે કે કંઈ પણ કર્યા વિના તમામ નેતાઓ મુસ્લિમોના મતને તેમની જાગીર સમજી બેઠા છે.

સમાજવાદી પાર્ટીમાં હાલ જે વિવાદ ઊભો થયો છે તેને ખાળવા માટે પાર્ટી તરફથી તેના ઉકેલ માટે ત્રણ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. જેમાં અખિલેશે જે ફોર્મ્યુલા બનાવી છે તેમાં રામ ગોપાલ યાદવ અને યુવા નેતાઓને પક્ષમાં પરત લાવવા, તેમજ યુવા સંગઠનના બરતરફ અધ્યક્ષને પાછા લાવવા, 2017 માટે મુખ્યપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવી, શિવપાલ યાદવને હટાવી ફરી અખિલેશને અધ્યક્ષ બનાવવા, ટિકિટ ફાળવણનો સંપૂર્ણ અધિકાર આપવા અને અમરસિંહને પાર્ટીમાંથી કાઢી મૂકવા અને કોમી એકતા દળના વિલયનો અંત લાવવો તેમ જણાવાયુ છે.

You might also like