ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન શા માટે લાદવું ન જોઈએ?: હાઈકોર્ટ

લખનૌ: પારિવારિક વિખવાદનો સામનો કરી રહેલ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવને હાઈકોર્ટ તરફથી પણ ફટકાર પડી છે. ડેન્ગ્યુને કારણે થઈ રહેલાં મૃત્યુ રોકવામાં નિષ્ફળ અખિલેશ સરકાર પર નારાજ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જણાવ્યું છે કે રાજ્ય સરકારનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. સરકાર નાગરિકોને આરોગ્ય અને સ્વચ્છતા સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જાણી જોઈને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કર્યાં છે. આ સંજોગોમાં બંધારણના અનુચ્છેદ ૩૫૬ હેઠળ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે શા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા ભલામણ કરવી ન જોઈએ ? આ સંદર્ભમાં હાઈકોર્ટમાં ગુરુવારે રાજ્યના મુખ્યસચિવને હાજર થવા ફરમાન કર્યું છે.

ન્યાયમૂર્તિ એ.પી. શાહી અને ન્યાયમૂર્તિ ડી. કે. ઉપાધ્યાયની બનેલી બેન્ચે ડેન્ગ્યુ પર બે કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અધિકારીઓ સરકારના કાબૂમાં જણાતા નથી. અદાલત આદેશ આપતાં આપતાં અને અધિકારીઓને કોર્ટમાં બોલાવતાં બોલાવતાં ત્રાસી ગઈ છે. અધિકારી માત્ર કાગળ પત્ર લખવામાં મશગુલ છે. સ્થિતિ એટલી ગંભીર છે કે અમારે આ બધું કહેવાની ફરજ પડી રહી છે. અમારી સાથે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. લખનૌની હાઈકોર્ટ બેન્ચ સ્થાનિક વકીલ એમ.પી. સિંહ અને અન્ય દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી.

You might also like