યુપીની યાદવાસ્થળીઃ અખિલેશની પિતા સામે બગાવત, સપામાં ભાગલાના ભણકારા

લખનૌ: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પરિવારનો ચાર મહિના જૂનો સંગ્રામ હવે નિર્ણયક વળાંક પર આવી ગયો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનો માહોલ યાદવ પરિવારની યાદવાસ્થળીના કારણે રાજકીય રીતે વધુ ઘેરો બનતો જાય છે અને પક્ષની અંદર જબરદસ્ત ઘમસાણ ચાલી રહ્યું છે. સમાજવાદી પાર્ટી (સપા)ના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પોતાના જ પુત્ર અને રાજ્યના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પર સખતાઇ સાથે વર્તાવ કરી રહ્યા છે, જ્યારે પોતાના ભાઈ અને સમાજવાદી પાર્ટીના પ્રદેશ વડા શિવપાલ સાથે મુલાયમ વર્તાવ કરી રહ્યા છે.

સપાના સમરાંગણમાં મુલાયમસિંહ યાદવે ૩૨૫ બેઠક માટે ઉમેદવારોની યાદી જારી કરી હતી. આ યાદીમાં અખિલેશના કેટલાય નિકટના સમર્થકોના પત્તાં કાપી નાખવામાં આવ્યા હતા. આ યાદી સામે ખીજાયેલા અખિલેશ યાદવે સહેજ પણ રાહ જોયા વગર બીજા જ દિવસે ૨૩૫ ઉમેદવારોની યાદી જારી કરી દીધી હતી. અખિલેશની યાદીમાં તેમની બગાવત સ્પષ્ટપણે નજરે પડતી હતી. અખિલેશની યાદી બાદ તેમના કાકા શિવપાલે પણ વિલંબ કર્યા વગર રાત્રે જ ૬૮ ઉમેદવારોની યાદી જારી કરી દીધી હતી.

શિવપાલ યાદવની યાદીમાં ફરુખાબાદના અમૃતપુરના સાંસદ ધર્મેન્દ્ર યાદવના સંબંધી નરેન્દ્રસિંહનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે અને તેમના સ્થાને નિકટના નેતા સુબોધ યાદવને ટિકિટ આપવામાં આવી છે. શિવપાલસિંહે પ્રથમ વાર પિતા, પુત્ર અને સાળા એમ ત્રણેયને ટિકિટ આપી છે. પિતા રામેશ્વરસિંહને એટા, પુત્ર સુબોધ યાદવને ફરૂખાબાદ અને સાળા કેપ્ટન અર્જુન યાદવને બદાયુની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

શિવપાલની યાદી જાહેર થતાં હવે સપાના સત્તાવાર ઉમેદવારોની સંખ્યા ૩૯૩ થઈ ગઈ છે. અખિલેશની યાદીમાં ૧૭૧ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ૬૪ એવા વિસ્તારોના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાંથી પક્ષ ૨૦૧૨માં ચૂંટણી હારી ગયો હતો. આ યાદીમાં ત્રણ પ્રધાનો રામગોવિંદ ચૌધરી, અરવિંદસિંહ ગોપ અને પવન પાંડેને પણ ટિકિટ મળી છે, જેમનાં પત્તાં શિવપાલની યાદી કાપી નાખવામાં આવ્યા હતા.

અખિલેશ યાદવે પોતાના નાના ભાઈનાં પત્ની અપર્ણા યાદવને પણ ટિકિટ આપી નથી. મુલાયમસિંહની ૩૨૫ અને અખિલેશની ૨૩૫ ઉમેદવારોની યાદીમાં ૧૮૮ નામ કોમન છે. સૂત્રોનું કહેવું છે કે કેટલાક ઉમેદવારો બદલવા અંગે નક્કી થાય તે પહેલાં અખિલેશની યાદી જાહેર થઈ ગઈ હતી. મુલાયમે રાત્રે ૧૦.૨૦ કલાકે શિવપાલને ફરી બોલાવ્યા હતા અને શિવપાલ ત્યાં રાત્રે ૧૧.૧૫ સુધી રોકાયા હતા.

સમાજવાદી પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ યાદવ તેમના વફાદારોને ટિકિટ ન મળે તો ખૂલીને બળવો કરશે તે નિશ્ચિત મનાય છે. આવા સંજોગોમાં મુલાયમસિંહ માટે મોટો પડકાર ઊભો થઈ શકે છે. જે અખિલેશના જે ઉમેદવારોને ટિકિટ મળી નથી તે ઉમેદવારો અલગ અલગ પ્રતીક પર ચૂંટણી લડી શકે છે અને અખિલેશ પોતાના ઉમેદવારો માટે પ્રચાર પણ કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like