ઉત્તર પ્રદેશની યાદવાસ્થળીઃ મુલાયમે બોલાવેલી બેઠકમાં અખિલેશ રડી પડ્યા

લખનૌ: સમાજવાદી પાર્ટીમાં મુખ્યપ્રદાન અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે થયેલી યાદવાસ્થળી અંગે પક્ષના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે બોલાવેલી બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકની શરૂઆતમાં મુખ્યપ્રધાન અખિલેશ યાદવ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે મારા પિતા મારા માટે ગુરુ છે નેતાજીએ મને અન્યાય સામે લડતા શીખવ્યું છે. હું શા માટે અલગ પક્ષની રચના કરું ? કેટલાય લોકો મારા અંગે ગેરસમજ ફેલાવી રહ્યા છે. એવું બોલતાં બોલતાં અખિલેશ યાદવ રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે હું નેતાજીના આશીર્વાદથી જ મુખ્યપ્રધાન બન્યો છું.
રવિવારે સમાજવાદી પાર્ટીમાં ભારે ઊથલપાથલ ચાલુ રહી હતી. ઉપરાછાપરી હંગામા વચ્ચે મોટી નિર્ણયો લેવામાં આવ્યા હતા. હકાલપટ્ટી અને બરતરફીનો સિલસિલો ચાલો રહ્યો હતો. આજે મુલાયમસિંહે બોલાવેલી બેઠક પૂર્વે પણ અખિલેશ અને શિવપાલ યાદવના ટેકેદારો વચ્ચે જોરદાર ઝપાઝપી અને મારામારી થઈ હતી.

શિવપાલ અને અખિલેશના સમર્થકો સપાના કાર્યાલય પર એકત્ર થયા ત્યારે સામસામે નારાબાજી કરવા લાગ્યા હતા અને આ દરમિયાન શિવપાલનું પોસ્ટર દેખાડતાં એક શખસની અખિલેશના ટેકેદારોએ જોરદાર ધોલાઈ કરી હતી. આજે સવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર અખિલેશ અને શિવપાલના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં બંને જૂથ તરફથી તેમના નેતાઓ માટે સૂત્રોચ્ચાર થયા હતા. જેમાં મામલો ઉગ્ર બનતાં પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. આજે મુલાયમસિંહે બેઠક બોલાવી હોવાથી આ બેઠકમાં શો નિર્ણય લેવાય છે તેના પર તમામની મીટ છે. હાલ આ મુદે ભારે વિવાદ થયો છે.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મુલાયમસિંહ હવે કોઈ મોટો નિર્ણય કરશે એવા જોરદાર તર્કવિતર્કો ચાલી રહ્યા છે. મુલાયમસિંહ અખિલેશ યાદવને મુખ્યપ્રધાન પદેથી પણ હટાવી શકે છે.

દરમિયાન યુપીમાં સમાજવાદી પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસોથી યાદવ પરિવારના કૌટુંબિક વિવાદને લઈને ભારે ધમસાણ મચ્યું છે. ત્યારે બદલાતાં રાજકીય સમીકરણો વચ્ચે જો પરિસ્થિતિમાં સુધારો નહિ થાય તો સમાજવાદી પાર્ટીમાં પડેલી તિરાડ વધુ મોટી થતાં આગામી ચૂંટણી પહેલા કદાચ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહે આજે પાર્ટી કાર્યાલયમાં તમામ ધારાસભ્યો,સાંસદો, પૂર્વ સાંસદો અને એમએલસીની બેઠક બોલાવી છે જેમાં તેઓ પાર્ટી માટે આકરા નિર્ણય લઈ શકે તેવી સંભાવના છે. દરમિયાન રામગોપાલે પણ મુલાયમસિંહને પત્ર પાઠવી કેટલીક રજૂઆત કરી છે ત્યારે આ અંગે સમાજવાદી પાર્ટીમાં આગામી દિવસોમાં નવા ધડાકા થાય તેવી પણ શક્યતા છે. દરમિયાન આજે સવારે સમાજવાર્દીના કાર્યાલય બહાર અખિલેશ અને શિવપાલ યાદવના સમર્થકો વચ્ચે વિવાદ થતા ભારે ઝપાઝપી થતાં પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

ગઈકાલે અખિલશ યાદવે તેમના કાકા શિવપાલ યાદવ સહિત ચાર પ્રધાનોને કેબિનેટમાંથી બરતરફ કરી દીધા હતા. અને તેના થોડા જ સમય બાદ મુલાયમે તેમના ભાઈ રામગોપાલની પાર્ટીમાંથી હકાલપટી કરી હતી. તેથી હવે એવું લાગી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીમાં મુલાયમ અને અખિલેશના બે જૂથ બની ગયાં છે. અને બંને એકબીજા પર ભાજપ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

You might also like