યુપી અને રાજસ્થાનમાં વરસાદે મચાવેલો કહેરઃ કુલ ૪૨નાં મોત

નવી દિલ્હી: દેશનાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બે દિવસમાં થયેલા વરસાદે ભારે તબાહી મચાવી છે . જેમાં આ કુદરતી આપત્તિના કારણે બંને રાજ્યમાં કુલ ૪૨ લોકોનાં માેત થયાં છે. જેમાં સૌથી વધુ બાળકોનાં મોત થયાં છે. આ ઉપરાંત વિવિધ જગ્યાએ જાહેર મિલકત અને મકાનોને નુકસાન થયું છે જેમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. વરસાદથી યુપીના આગ્રામાં ૧૪ લોકોનાં મોત થયાં છે. તેમજ રાજ્સ્થાનમાં પણ મૃત્યુઆંક વધી ગયો છે.

મોટાભાગનાં રાજ્યનાં હવામાનમાં પલટો આવતાં અનેક જગ્યાએ વરસાદ અને આંધી સાથે વાવાઝોડું ફુંકાયું હતું. ત્યારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે આવેલા ભારે વરસાદના કારણે બનેલા વિવિધ બનાવમાં કુલ ૧૬ લોકોનાં મોત થયાં છે, જેમાં રાજસ્થાનમાં ભારે વરસાદથી ૧૨નાં તેમજ મથુરામાં વરસાદથી મકાનની છત પડતાં ત્રણ બાળ‍ક સહિત ચારનાં મોત થયાં હતાં.

આ દરમિયાન ગઈ કાલે દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં પલટો આવતાં અમુક વિસ્તારમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત આંધી સાથે પવન ફુંકાતાં તાજમહાલના મિનાર ખરી ગયા હતા. જ્યારે તોફાનના કારણે બનેલી ઘટનાના વિવિધ બનાવમાં ૪૦થી વધુ લોકોને ઈજા થઈ હતી.

એકાએક વાતાવરણ પલટાતાં ઉત્તર પ્રદેશમાં અનેક ખેડૂતોને તેમનો તૈયાર પાક ગુમાવવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગાજવીજ સાથે વરસાદ પડતાં થોડા જ સમયમાં અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં અને આ દરમિયાન અમુક જગ્યાએ કરા પણ પડ્યા હતા. બાદમાં એકાએક ભારે પવન ફુંકાતાં અનેક મકાનોને નુકસાન થયું હતું.

બીજી તરફ ભારે પવન, આંધી અને વરસાદના કારણે લખનૌ એકસપ્રેસ વેના ટોલ પ્લાઝાનું બૂથ ઊડી ગયું હતું, જેના કારણે આ એકસપ્રેસ વે પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.

You might also like