સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતાં કોંગ્રેસ સ્તબ્ધ

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થઈ જતાં કોંગ્રેસ અખિલેશનાં આ પગલાંથી સ્તબ્ધ થઈ ગઈ છે.કોંગ્રેસે અખિલેશના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. અને હવે યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન રચાવાના મામલે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે આ મામલે બંને પાર્ટીઓ વચ્ચે મંત્રણા હજુ ચાલુ છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેમ ઈચ્છી રહ્યા છે. તેથી તેઓ આ માટે સમજૂતી માટે કોઈ સમાધાનકારી માર્ગ કાઢવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય થઈ શકશે કે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે કેમ? ગઈ કાલે સપાએ તેના 205 ઉમેદવારની યાદી જાહેર કરી હતી તેમાં સપાઅે એવી દસ સીટના ઉમેદવાર પણ જાહેર કર્યા છે કે જેમાં 2012માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. આ મામલે કોંગ્રેસના પ્રવકતા અજય માકને જણાવ્યું હતું કે સપાનું આ પગલું એટલા માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે સપાઅે એવા સમયે તેના ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન અંગેની રૂપરેખા નકકી થઈ ગઈ હતી.

બીજી તરફ સપાઅે આવો નિર્ણય કોંગ્રેસે વધારે બેઠકની માગણી કર્યા બાદ લીધો હતો તેવા સવાલ અંગે માકને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે ગઠબંધન અંગે ગુલામનબી આઝાદ અને અખિલેશ વચ્ચે હજુ ચર્ચા થશે. તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવા સવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે આ મામલે અખિલેશ અને આઝાદ વચ્ચેની વાતચીત બાદ નિર્ણય લેવામા આવશે. સપાએ કોંગ્રેસ 57 સીટ જ જીતી શકે તેમ હોવાની ધારણા સાથે તેને તેટલી જ બેઠક આપવા માગતી હતી તેથી તેણે આ યાદી જાહેર કરી દીધી હોવાનું પણ માનવમાં આવે છે. પરંતુ સપાઅે તેને 85 સીટ આપવાની વાત કરતાં કોંગ્રેસે 125 સીટ ફાળવવા માગણી કરતાં અખિલેશે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી.

http://sambhaavnews.com/

You might also like