ઉત્તર કાશીના વરુણાવત પર્વત પર ફરી આગ લાગતાં ઉત્તરાખંડમાં ભારે દહેશત

દહેરાદૂન: એક સપ્તાહ પૂર્વે ઉત્તરાખંડનાં જંગલોમાં જે આગ ભભૂકી ઊઠી હતી અને અગ્નિતાંડવે હાહાકાર મચાવ્યો હતો તે કેટલાંય સ્થળોએ વરસાદ થતાં બુઝાઇ ગઇ હતી, પરંતુ જંગલની આ આગે હવે ફરીથી પહાડી વિસ્તારોમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે.

ઉત્તર કાશીના વરુણાવત પર્વત પર ફરીથી જંગલની આગ ભભૂ‌કી ઊઠી છે. વન વિભાગના રપ અધિકારીઓ આગના સમાચાર મળતાં તુરત જ સ્થળ પર ધસી ગયા હતા અને આગ બુઝાવવા માટે કોશિશ કરવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ફેલાયેલા દાવાનળમાં ર૯ એપ્રિલ સુધીમાં ૪,૦૦૦ હેક્ટરથી પણ વધુ જમીન વેરાન બની ગઇ હતી.

દરમિયાન રાજ્યમાં વરસાદ પડતાં આગ બુઝાઇ ગઇ હતી, પરંતુ હવે ફરીથી વરુણાવત પર્વતનો સમગ્ર વન્ય વિસ્તાર આગની લપેટમાં આવી ચૂક્યો છે. ગઇ સાલ અહીં ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા) દ્વારા આ વિસ્તારમાં ભૂસ્ખલનનો ખતરો હોવાની તાકીદ કરવામાં આવી હતી. વરુણાવત પર્વતમાં ફરીથી લાગેલી આગ અંગે માહિતી આપતાં ઉત્તરાખંડના મુખ્ય વન સંરક્ષક રાજેન્દ્ર મહાજને જણાવ્યું હતું કે વરુણાવત પર્વત પર સવારે ૪-૦૦ વાગ્યે આગ જોવા મળી હતી.

વન વિભાગે આગ બુઝાવવા માટે તાત્કાલિક રપ કર્મચારીઓને રવાના કર્યા હતા. આ આગથી કેટલું નુકસાન થયું છે તેની આકારણી કરવામાં આવી રહી છે, જોકે આગના કારણે કોઇ ખુંવારી થઇ હોવાના હજુ સુધી સમાચાર મળ્યા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આગ બહુ જ ભયાનક હતી અને તેનો ધુમાડો મોડી સાંજ સુધી દેખાતો હતો, જોકે વન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે હવે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઇ છે.

You might also like