ઉત્તર ગુજરાત બંધઃ હજુ પણ તંગ વાતાવરણઃ અાગચંપીના બનાવો

અમદાવાદ: મહેસાણા સબ જેલમાં પાટીદાર યુવકના મોતને પગલે સમગ્ર ઉત્તર ગુજરાત અજંપામાં ફેરવાયું છે. ગઇ કાલે પાટીદારોએ આપેલા મહેસાણા બંધને જબ્બર પ્રતિસાદ મળતાં આજે ઉત્તર ગુજરાત બંધનું એલાન પાસના નામે પાટીદારો વતી કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે આપ્યું છે. બલોલના યુવાનના મોતને પગલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મૃતદેહના સ્વીકાર માટે તેના પરિવારજનોને મોડે સુધી સમજાવવાનું ચાલુ રખાયું હતું. રાત્રે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાનની ઇમર્જન્સી મિટિંગ ગોઠવાયા બાદ સરકાર ઝૂકી હતી અને પરિસ્થિતિ સ્ફોટક બને તે પહેલાં જ પરિવારજનોની માગણી સ્વીકારી લીધી હતી.

હવે પોલીસ ફરિયાદ લેવા તૈયાર છે, છતાં પાટીદાર અગ્રણીઓ ફરિયાદ લખાવવા ગયા નથી. આ લખાય છે ત્યારે મૃતકના પિતા મહેન્દ્ર પટેલ હજુ પણ કેતન પટેલનો મૃતદેહ લેવા તૈયાર નથી. તેમણે આક્ષેપ કર્યો છે સમગ્ર ઘટના બાદ હજુ સુધી તેમના પરિવારને આશ્વાસન આપવા ભાજપના એક પણ નેતા ફરક્યા નથી. એટલે જ નહીં કોઇનો ફોન પણ આવ્યો નથી. પીએમમાં મૃત્યુનું કારણ નહીં દર્શાવાયાના મુદ્દે ફરી પોસ્ટમાેર્ટમની માગણીઓના મુદ્દે તેઓ મક્કમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આજે પાટીદારોએ આપેલા ઉત્તર ગુજરાત બંધના એલાનના પગલે અમદાવાદથી મહેસાણા, રાધનપુર તરફના રૂટની તમામ એસટી બસો બંધ રાખવામાં આવી છે. ર૪ એકિઝક્યુ‌િટવ મે‌િજસ્ટ્રેટ ફરજ પર હાજર રખાયા છે. ૮૦૦ પોલીસ સાથે મહેસાણામાં બે પેરા‌િમલિટરી ફોર્સની ટુકડી તહેનાત કરાઇ છે. તંગદીલીના પગલે સમગ્ર બજાર સવારથી બંધ રહ્યાં છે. સમગ્ર ઉત્તર ગુજરાત પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પાટણમાં આજે સવારથી પાટીદારોએ ભાજપ સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. બગવાડા દરવાજા પાસે પોલીસની હાજરીમાં ટાયરો સળગાવ્યા હતા.

મહેસાણામાં પાટીદાર યુવાનના કસ્ટો‌િડયલ ડેથના પગલે શહેરમાં ગઇ કાલે અફરાતફરીના માહોલ સાથે તંગદીલી ફેલાઇ હતી. મૃતકના શરીર ઉપર ૩૯ જેટલી ઇજાનાં નિશાન મળી આવ્યાંનો અને તે ઇજા બે દિવસ પૂર્વે થયેલી હોવાનો ૭ પાનાંનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી આવ્યો હતો. મૃતક કેતન પટેલના હાથના પંજા, પગના ત‌િળયામાં મારની ગંભીર ઇજાઓ સંબંધે પીએમમાં ઉલ્લેખ નહીં થતાં મૃતકના પરિવારના સભ્યોએ ‌િરપોસ્ટમોર્ટમની માગ કરી છે.

મહેસાણાની સિવિલ હોસ્પિટલ પર પાટીદારોનાં ટોળાં એકઠાં થયાં છે. આ ઘટના અંગે નાયબ મુખ્યપ્રધાન ની‌િતન પટેલે કાયદા પ્રધાન પ્રદીપસિંહ અને ડીજીપી સાથે બેઠક કરી હતી અને ‌િડ‌િ‌ંસ્ટ્રક્ટ જજ આ મામલે તપાસ કરીને સેશન્સ જજને રિપોર્ટ આપશે તેમજ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.

ઘટનાક્રમ અનુસાર ર જૂને ભરત બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિએ ૯,પ૦૦ની ચોરીની ફરિયાદ કરી. ૩ જૂને બલોલના કેતન મહેન્દ્રભાઇ પટેલની ધરપકડ થઇ. ૪ જૂને કેતનને જેલમાં મોકલાયો.

કેતને ફરિયાદ કરતાં જેલ તબીબે તેને સારવાર આપી સિવિલમાં ખસેડ્યો અને પ જૂને રાત્રે તેનું નિધન થયું. ૬ જૂને મૃતકનાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરીને પોલીસ સામે કાર્યવાહીની માગ કરતાં ૭ જૂને વીડિયોગ્રાફી સાથે પીએમ કરાયું, જેમાં એસપીજી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા.

વર્ષ ર૦૧૧થી વર્ષ ર૦૧૬ના સમયગાળા દરમ્યાન ઉત્તર ગુજરાતમાં ર૯ જેટલાં કસ્ટો‌િડયલ ડેથ થયાં છે, જ્યારે ર૯૮૯ માનવ અધિકાર ભંગના કિસ્સા સત્તાવાર નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં ૧૦ અને બનાસકાંઠા જિલ્લામાં ૧ર કેદીનાં છેલ્લાં ૬ વર્ષમાં કસ્ટો‌િડયલ ડેથ થયાં છે. માનવ અધિકાર આયોગના ચોપડે અત્યાર સુધી માનવ અધિકાર ભંગની ઉત્તર ગુજરાતની કુલ ર૯૮૯ ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ પોલીસ પણ એલર્ટ
મહેસાણા સબ જેલમાં પાટીદાર યુવક કેતન પટેલનાં મોત મામલે આજે કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું છે. બંધના પડઘા અમદાવાદમાં ન પડે તે માટે આજ સવારથી જ શહેર પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ આપી દેવાયા છે. પોલીસને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગના આદેશ અપાયા છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, વીસનગર, પાટણ, હારિજ વગેરે શહેરમાં આજે બંધને પગલે છૂટા છવાયાં છમકલાં થયાં હતાં. કેતન પટેલનાં મોત બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાટીદારોનો રોષ ભભૂ‌કી ઊઠયો છે. મહેસાણા-વીસનગર બંધ બાદ આજે ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું છે. અમદાવાદમાં પણ પાટીદાર અનામત આંદોલખ વખતે તોફાનો થયાં હતાં. જેથી બંધનાં એલાનના પગલે અમદાવાદ પોલીસને પણ એલર્ટ કરી દેવાઇ છે. સવારે ૮-૦૦ વાગ્યાથી પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે.

ખાસ કરીને રામોલ, નિકોલ, બાપુનગર, રાણીપ, ઘાટલોડિયા, નારણપુરા જેવા વિસ્તારોમાં પોલીસને ખાસ તકેદારી રાખવા સૂચના અપાઇ છે. પોલીસને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવા માટે જણાવાયંુ છે. શહેરનાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
http://sambhaavnews.com/

You might also like