વાત ઉત્તંક ઋષિની, જેમણે કૃષ્ણને શ્રાપ આપ્યો હતો, જાણો કેમ ઋષિ પાણી માટે તરસ્યા?

મહાભારતમાં એક કથા આવે છે—ઉત્તંક ઋષિની. રાજસ્થાનના રણ પ્રદેશમાં એમનો આશ્રમ છે. જગતનું કલ્યાણ ઈચ્છતા તે તપમાં રત રહે છે. મહાભારતનાં યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને હસ્તિનાપુરના સિંહાસને બેસાડી દ્વારકા જવા નીકળે છે. રસ્તામાં ઉત્તંક ઋષિનો આશ્રમ આવતાં સહજ ભાવે તેમને મળવા જાય છે. ઉત્તંક ઊઠીને શ્રીકૃષ્ણને પ્રણામ કરે છે. અને અભિનંદન આપતાં કહે છે: મહારાજ, તમે ખૂબ પ્રયાસ કર્યો, દુર્યોધન માની ગયો અને મહાયુદ્ધ થવાનું હતું તે ન થયું. આપે મહા જીવ હિંસા અટકાવી.’ ભગવાન હસતાં હસતાં કહે છે: ‘આપે મને જે મુબારકબાદી આપી તેને હું યોગ્ય નથી. હકીકતમાં દુર્યોધન માન્યો નહિ, યુદ્ધ થયું અને કૌરવોનો નાશ થયો.’

‘હેં ! આ બધું થઈ ગયું?’ ઉત્તંક ઋષિના હ્રદયમાંથી હાય નીકળી ગઈ અને સાથે જ શાપ આપ્યો શ્રીકૃષ્ણને, ‘જેમ કૌરવો નાશ પામ્યા તેમ, તારા યાદવો પણ નાશ પામશે.’ શ્રીકૃષ્ણ આ સાંભળીને હસે છે. કારણ કે એ યોગસ્થ છે. હસતાં હસતાં તેઓ કહે છે: ‘તમે શાપ ન આપ્યો હોત તો પણ એમ જ થવાનું છે, કારણ તેઓ (યાદવો) પણ મારું માનતા નથી. ‘

શ્રીકૃષ્ણનો શાંત, ધીર-ગંભીર જવાબ સાંભળીને ઉત્તંક ઢીલા પડે છે અને માફી માગે છે. શ્રીકૃષ્ણ તેના બાળક જેવા નિર્મળ સ્વભાવની કદર કરે છે અને દ્વારકા જવા નીકળતાં પહેલાં ઉત્તંકને કંઈ જોઈતું હોય તો તે માગવાનું કહે છે.

‘હે કૃષ્ણ !’ ઉત્તંક માગે છે, ‘અહીં પાણીની ખૂબ આપદા છે. માટે જરૂર પડે તે સમયે પાણી મળે તેમ કરો.’ ભગવાન તો તથાસ્તુ કહીને રજા લે છે. ક્ષણાર્ધમાં ઋષિને પાણીની જરૂર પડી, ને ભગવાનને યાદ કર્યા. તેને થયું સરવાણી ફૂટશે, ઝરણું વહેશે, વરસાદ આવશે. પણ તેવું તો કંઈ જ ન થયું. પણ જુએ છે તો એક ચમાર પાણીની મશક લઈને આવી રહ્યા છે.

ઋષિ પાસે આવીને પૂછ્યું:’મહારાજ ! પાણી પીશો? ઉત્તંક તો ગુસ્સે થઈ ગયા અને બોલી ઊઠ્યા: ‘આઘો ખસ ! મને અભડાવી દઈશ !’ઉત્તંક મનોમન બહુ જ વ્યાકુળ થયા: શું કૃષ્ણે મને વરદાન આપ્યું? મારે આવા ચમારના હાથનું પાણી પીવાનું? શું આવો ગમાર સમજે છે મને?‘જા, જા,ભાગ અહીંથી !’ ઉત્તંક ફરી તાડૂકી ઊઠ્યા.ચમાર કહે છે:’પણ આ પાણી તો શ્રીકૃષ્ણે મોકલાવ્યું છે.’

ઉત્તંક કહે છે:’ભલે મોકલ્યું. નથી પીવું મારે ! ચાલ્યો જા તું અહીંથી !’અને ચમાર ચાલ્યો ગયો. પછી પોતે દોડ્યા શ્રીકૃષ્ણની પાછળ. શ્રીકૃષ્ણ તો હજુ ત્યાં જ હતા. એમને જોતાં વેંત જ ઉત્તંક બરાડી ઊઠ્યા: ‘હરામખોર ! મને તું આવું પાણી પાવા માગતો હતો? હું બ્રાહ્મણ, શું હું ચમારના હાથનું પાણી પીઉં? ‘ શ્રીકૃષ્ણ આ સાંભળી હસી પડ્યા અને બોલ્યા: ‘મહારાજ ! તમારા ભાગ્યમાં અમૃત પીવાનું નહોતું લખ્યું એમ લાગે છે. એ પાણી નહોતું, અમૃત હતું.

તમને આપવા માટે મેં ઈન્દ્રને ક્હ્યું, ઉત્તંક માટે અમૃત લઈ જાવ ! પણ ઈન્દ્રે કહ્યું: “મહારાજ, ઉત્તંક અમૃતને લાયક નથી. કહો તો કસોટી કરી બતાવું.” ‘દેવરાજ ઇન્દ્ર તમારા માટે મશક ભરીને અમૃત લાવ્યા, પણ તમે કસોટીમાં નાપાસ થયા.’ શ્રીકૃષ્ણે ખુલાસો કર્યો. વળી પાછો ઉત્તંક ગળગળા થઈ ગયા, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું: ‘તું ભોળો છો. જા, હવે તને પાણી મળશે, પણ અમૃત નહિ મળે.’

You might also like