ઉસ્માન કાદિર પાક. નહીં, બલકે ઓસી. તરફથી રમવાની તૈયારીમાં

મેલબોર્નઃ પાકિસ્તાનના મહાન સ્પિનર અબ્દુલ કાદિરનાે પુત્ર ઉસ્માન કાદિર ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની દિશા તરફ એક ડગલું આગળ વધ્યો છે. ઉસ્માને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થઈને જંક્શન ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં વિક્ટોરિયા સામે ૫૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી. ઉસ્માન ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા અંગે વિચારી રહ્યો છે.

ઉસ્માનના પહેલાં ૨૦૧૩માં ફવાદ અહમદે પણ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ સ્વીકારીને ઓસી. તરફથી રમવાનું શરૂ કરી દીધું હતું. એક સ્પોર્ટ્સ વેબસાઇટે ઉસ્માનને ટાંકીને લખ્યું છે, ”જ્યારે મેં જોયું કે ફવાદ માટે સરકારે નિયમ બદલ્યા ત્યારે મેં પણ વિઝા માટે અપ્લાય કરવાનો નિર્ણય કર્યો અને તેથી મને અહીં કાયમી રહેવાની મંજૂરી મળી ગઈ. આશા છે કે આગામી બે વર્ષમાં મને અહીંનું નાગરિકત્વ પણ મળી જશે.”

લેગ સ્પિનર ઉસ્માને જણાવ્યું, ”મારું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦માં રમાનારા ટી-૨૦ વિશ્વકપમાં રમવાનું છે. આશા છે કે ત્યાં સુધીમાં હું તેના માટે લાયક બની જઈશ.” ઉસ્માને પાકિસ્તાનની ટીમ તરફથી ૨૦૧૨માં અંડર-૧૯ વિશ્વકપમાં ભાગ લીધો હતો.

ઉસ્માને બધો શ્રેય ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કોચ ડેરેન બેરીને આપ્યો હતો. ડેરેન બેરી એ વ્યક્તિ હતા, જેમણે ઉસ્માનને પ્રોત્સાહન આપ્યું. ઉસ્માને કહ્યું, ”બધો શ્રેય તેમને જાય છે, કારણ કે તેઓ એક શાનદાર વ્યક્તિ છે. તેમણે મારું સમર્થન કર્યું. તેમણે મને કહ્યું છે કે એકાદ વર્ષમાં તને ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ અને કરાર પણ મળી જશે.”

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ ઉસ્માને ઓસ્ટ્રેલિયા તરફથી રમવાનું નક્કી કરી લીધું હતું. તે લાંબા સમયથી પાકિસ્તાની પસંદગીકારો દ્વારા સતત ઉપેક્ષાનો શિકાર બની રહ્યો હતો. ઉસ્માન કાદિર ૨૦૨૦ના ટી-૨૦ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવાની યોજના બનાવી રહ્યો છે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી ન થતાં ઉસ્માનના ધૈર્યનો હવે અંત આવી ગયો છે. ૨૪ વર્ષીય ઉસ્માન કાદિરનું સપનું છે કે તે ઓસ્ટ્રેલિયાની ટીમમાં લેગસ્પિનરના રૂપમાં રમે. આના માટે તે જોરદાર પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.

ઉસ્માને જણાવ્યું, ”મને ૨૦૧૨માં અંડર-૧૯ વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ઓફર કરવામાં આવ્યું હતું. એ સમયે મેં મારા પિતાની સલાહથી એ ઓફર સ્વીકારી નહોતી. મારા પિતા અબ્દુલ કાદિરે કહ્યું હતું કે હું અંડર-૧૯ સ્તર પર
શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છું અને પાકિસ્તાનમાં તેનું ભવિષ્ય ઊજળું છે. આથી હું પાકિસ્તાન ચાલ્યો ગયો, પરંતુ પાક.માં મારી સતત ઉપેક્ષા થતી રહી.”

ઉસ્માન કાદિરે આઠ ફર્સ્ટ ક્લાસ મેચની નવ ઇનિંગ્સમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ લેગસ્પિનર બોલરે ૪.૦૪ના ઈકોનોમી રેટથી સાત વિકેટ ઝડપી છે, જ્યારે લિસ્ટ-એની ૧૭ મેચમાં ૧૫ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૩૨ રન આપીને પાંચ વિકેટ ઝડપવાનું રહ્યું છે.

You might also like