ભારતમાં લાઇટ મીટરની જેમ એર પોલ્યુશન મીટરનો ઉપયોગ કરોઃ શ્રીલંકાની અપીલ

નવી દિલ્હીઃ દિલ્હીના ખરાબ વાતાવરણથી પરેશાન શ્રીલંકાની ટીમે આઇસીસીને એક ખાસ અપીલ કરી છે. અસલમાં શ્રીલંકાની ટીમે આઇસીસી સમક્ષ માગણી કરી છે કે ભારતમાં ટેસ્ટ મેચ રમવા દરમિયાન જેવી રીતે લાઇટ મીટરનો ઉપયોગ થાય છે એવી જ રીતે એર ક્વોલિટી મીટરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી હવા-પ્રદૂષણ રમત ચાલુ રાખવા માટે યોગ્ય છે કે નહીં.

એક અખબારના જણાવ્યા અનુસાર શ્રીલંકાની ટીમના મેનેજર ગુરુસિંઘેએ એવી જાણકારી આપી છે કે બંને ટીમે પોતપોતાના ડ્રેસિંગરૂમમાં ઓક્સિજન સિલિન્ડર લગાવ્યાં હતાં અને એવું લાગી રહ્યું હતું કે જાણે આ ડ્રેસિંગરૂમ નહીં, બલકે કોઈ હોસ્પિટલનો વોર્ડ છે.

આ પહેલાં એનજીઓ ગ્રીનપીસે પણ કહ્યું હતું કે એ દુઃખદ છે કે શ્રીલંકાની ટીમ દ્વારા હવાની ખરાબ ગુણવત્તાની ફરિયાદ બાદ ભારતે દિલ્હી જેવા પ્રદૂષિત સ્થળે રમતોનું આયોજન કરવાને લઈ આંતરરાષ્ટ્રીય શરમિંદગીનો સામનો કરવો પડ્યો. ગ્રીનપીસ ઇન્ડિયાના સિનિયર કેમ્પેનર સુનીલ દહિયાએ કહ્યું હતું, ”એ ખરાબ સ્થિતિ છે કે આપણે આવા પ્રદૂષિત સ્થળે રમતનું આયોજન કરવા માટે આંતરરાષ્ટ્રીય શરમિંદગીનો સામનો કરવો પડ્યો છે.”

ઉલ્લેખનીય છે કે દિલ્હી ટેસ્ટના ચોથા દિવસે પહેલાં શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લકમલને ઊલટી થઈ, ત્યાર બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહંમદ શામીને પણ મેદાન પર ઊલટી થઈ. શ્રીલંકાની ટીમના મેનેજર અસંકા ગુરુસિંઘેએ કહ્યું, ”અમારા ખેલાડી સારી રીતે શ્વાસ પણ નહોતા લઈ શકતા તેથી અમે ચેન્જિંગરૂમમાં ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કર્યો.. ભારતીય ટીમે પણ પોતાના ડ્રેસિંગરૂમમાં ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરી રહી હતી.” અસંકા ગુરુસિંઘે ટેસ્ટ ખેલાડી રહી ચૂક્યો છે અને તેણે આઇસીસી મેચ રેફરી ડેવિડ બૂનને પોતાની આ વાત પહોંચાડી દીધી છે.

You might also like