બોલ્ટની ઐતિહાસિક હેટ્રિકઃ ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ જીત્યો

રિયો: જમૈકાના મહાન એથ્લીટ યુસેન બોલ્ટે રવિવારે રિયો ઓલિમ્પિક્સમાં ૧૦૦ મીટરની રેસ જીતી લીધી છે. બોલ્ટે સતત ત્રીજી વખત આ સ્પર્ધા જીતી છે. બોલ્ટે બીજિંગ (૨૦૦૮) અને લંડન (૨૦૧૨) ઓલમ્પિક્સમાં પણ આ સ્પર્ધામાં જીત હાંસલ કરી હતી.

મહાનતમ એથ્લીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર યુસેન બોલ્ટ રવિવારે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ૯.૮૧ સેકન્ડમાં રેસ પૂરી કરીને પ્રથમ સ્થાને આવ્યો હતો, જ્યારે અમેરિકાના એથ્લીટ જસ્ટિન ગાટલિન ૯.૮૯ સેકન્ડમાં અને કેનેડાના એથ્લીટ આંદ્રે ગ્રાસે ૯.૯૧ સેકન્ડમાં રેસ પૂરી કરીને બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

રેસના પ્રારંભમાં ૫૦ મીટર સુધી જસ્ટિન આગળ હતો, પરંતુ છેલ્લા ૩૦ મીટરમાં યુસેને પોતાનું દમખમ જાળવી રાખ્યું અને અંતિમ પાંચ મીટર બાકી રહેતા જસ્ટિનને પાછળ મૂકીને રેસમાં જીત હાંસલ કરી હતી. બોલ્ટનો આ સતત ત્રીજો ઓલમ્પિક ગોલ્ડ મેડલ છે અને આ ગોલ્ડ મેડલ જીત્યાની સાથે યુસેન બોલ્ટે ઇતિહાસ રચ્યો છે.

રેસ પછી યુસેન બોલ્ટે કહ્યું કે, “મારું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, પરંતુ મને જેટલી આશા હતી તેટલી સ્પીડે હું દોડી શક્યો નહીં તો પણ રેસમાં જીત હાંસલ કરી એ વાતની મને ખુશી છે. મને મારી ફિટનેસના કારણે થોડી શંકા હતી, પરંતુ હું ગઈ સિઝન કરતાં સારી સ્થિતિમાં છું. કોઈએ મને કહ્યું છે કે વધુ બે ગોલ્ડ જીત્યા બાદ હું અમર થઇ જઇશ. હું અમર થવા માગું છું. હું અમર થઈને અહીંથી નિવૃત્ત થવા માગું છું.”

બોલ્ટ બીજિંગ અને લંડન ઓલિમ્પિક્સમાં ૧૦૦, ૨૦૦ અને ૪ X ૧૦૦ મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. રિયોમાં પણ ૧૦૦ મીટરની રેસમાં તે ગોલ્ડ જીતી ચૂક્યો છે, હવે એની નજર પોતાની મનગમતી સ્પર્ધા ૨૦૦ મીટર અને રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીતીને નવા ઇતિહાસ રચવા પર રહેશે.

You might also like