ઉસેન બોલ્ટ આવી વિદાયનો તો હકદાર નહોતો જ!

લંડનઃ ઇતિહાસે તમામ મહાનતાઓને સમયનાં ચક્ર તળે પીસાતાં જોઈ છે. ગત શનિવારની રાત્રે રમતની દુનિયા પર ફરીથી એવી જ ઘટનાની સાક્ષી બની. રમતની દુનિયાએ એક ‘તાજ’ને જમીન પર ફસડાઈ પડતો જોયો, એક અજેય યોદ્ધાને પરાજિત થતો જોયો, મહાન એથ્લીટને નવા નિશાળિયાની જેમ ચૂકી જતો જોયો અને હા, એ બધું કંઈક આ એથ્લીટે લાચાર થઈને પોતાની આંખો સામે જોયું. એ લાચાર હતો, દોડમાં તેની બાદશાહત છિનવાઈ ચૂકી હતી, સમય પલટી મારી ચૂક્યો હતો. આ કરુણ કહાણી જમૈકાના મહાન દોડવીર ઉસેન બોલ્ટની છે. લગભગ એક દાયકાથી ટ્રેક એન્ડ ફિલ્ડનો અજેય યોદ્ધો અને આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ઉસેન બોલ્ટ શનિવારની રાત્રે લંડનમાં પોતાની કરિયરની અંતિમ દોડ લગાવવા ઊતર્યો હતો.

ટૂર્નામેન્ટ હતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની. હજુ થોડા દિવસ પહેલાં જ ૧૦૦ મીટરની રેસ હાર્યા બાદ (બોલ્ટ ત્રીજા સ્થાને રહ્યો હતો) જાણે કે સમયે સંકેત આપી દીધો હતો કે બોલ્ટના યુગનો અંત નજીક આવી ગયો છે. નવી પ્રતિભાઓએ તેને ઝાંખો પાડી દીધો છે. બોલ્ટ સમયની આ ઉદ્ઘોષણાને કદાચ સાંભળી પણ ચૂક્યો હતો. આથી જ તેણે જાહેર કરી દીધું હતું કે ૧૨ ઓગસ્ટ ને શનિવારે ૧૦૦ મીટરની રિલે દોડની સાથે જ તે ટ્રેકને હંમેશ માટે અલવિદા કહી દેશે. એ તેની અંતિમ દોડ હતી. તેની પાછલી નિષ્ફળતાને ભુલાવીને બોલ્ટના ચાહકોને આશા હતી કે તે આ અંતિમ દોડને યાદગાર બનાવી દેશે, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂરી હતું.

ગત શનિવારે લંડનના ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ઉત્તેજના ચરમસીમાએ હતી. દોડ શરૂ થતાં જ તમામની નજરો જમૈકાની ટીમ પર હતી. બોલ્ટની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાતો હતો કે યજમાન બ્રિટનની ટીમ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી, પરંતુ સેંકડો અંગ્રેજ દર્શકોના હાથમાં જમૈકાના આ મહાન દોડવીરના સમર્થનમાં પ્લેકાર્ડ અને બેનર લહેરાઈ રહ્યાં હતાં. રેસ શરૂ થઈ અને જમૈકાના ત્રીજા દોડવીરે બોલ્ટના હાથમાં રિલે સોંપી અને પછી ચિત્તાની સ્ફૂર્તિથી બોલ્ટ પોતાના અંદાજમાં દોડવા લાગ્યો… પરંતુ આ શું… ફિનિશ લાઇનથી લગભગ ૩૦ મીટર પહેલાં જ તેના પગના સ્નાયુ ખેંચાઈ ગયા અને ટ્રેક પર જ ઢળી પડ્યો. બોલ્ટની આ લાચારી દુનિયાભરમાં છવાયેલા તેના ચાહકોની આંખો ભીની કરી ગઈ.

દુનિયાભરના રમતપ્રેમીઓએ ક્યારેય બોલ્ટને હારતો જોયો નહોતો. ટ્રેક એન્ડ ફિલ્ડના આ મહાન એથ્લીટની કરિયરનો અંત આવો તો નહોતો જ આવવો જોઈતો હતો. ઇતિહાસમાં યોદ્ધાઓની શૌર્યગાથાઓ અને ઉપલબ્ધિઓના અસંખ્યા કિસ્સા છે, પરંતુ મહાનતાઓના કરુણ અંતની કહાણીઓ બહુ જૂજ છે.

You might also like