સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાંથી America ‘આઉટ’

વોશિંગ્ટન: અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પરિષદમાં (યુએનએચઆરસી) સ્વયંને બહાર કરવાની જાહેરાત કરી છે. અમેરિકાએ માનવ અધિકાર પરિષદ પર ઈઝરાયલ વિરોધી હોવાનો આક્ષેપ કરીને માનવ અધિકાર પરિષદ સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ પત્રકાર પરિષદ બોલાવીને તેની સત્તાવાર જાહેરાત કરી હતી અને પરિષદને રાજકીય પક્ષપાત પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો.

અમેરિકા લાંબા સમયથી ૪૭ સભ્યની આ પરિષદમાં સુધારો કરવાની માગણી કરી રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ અમેરિકાએ ત્રણ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનોથી છેડો ફાડી નાંખ્યો છે. આ અગાઉ અમેરિકાએ પેરિસ ક્લાઈમેટ ચેઈન્જ અને ત્યાર બાદ ઈરાન અણુ સમજૂતીથી હટી જવાની જાહેરાત કરી ચૂક્યું છે.

માઈક પોમ્પિયો અને નિકી હેલીએ જાહેરાત કરતાં રશિયા, ચીન, ક્યુબા અને મિસરને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. અમેરિકાનો આક્ષેપ છે કે આ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં સુધારાના પ્રયાસો સફળ થવા દીધા નથી. નિકી હેલીએ એ દેશોની ટીકા કરી છે કે તેઓ અમેરિકન મૂલ્યો શેર કરે છે, પરંતુ યથાસ્થિતિને ગંભીરતાથી પડકાર આપવા માગતા નથી. યુએનએચઆરસીની રચના ૨૦૦૬માં થઈ હતી. તેનો હેતુ દુનિયાભરમાં માનવ અધિકારના મુદ્દાઓ પર નજર રાખવાનો છે.

આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વખત ધમકી આપી ચૂક્યા હતા કે જો ૪૭ સભ્યની આ પરિષદમાં સુધારા નહીં થાય તો વોશિંગ્ટન તેમાંથી બાર નીકળી જશે. માઈક પોમ્પિયો અને નિકી હેલીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદે પોતાના નામને અનુરૂપ કામ કર્યું નથી. હેલીએ આક્ષેપ કર્યો હતો કે પરિષદ માનવ અધિકારનું હનન કરનારા દેશોને સુરક્ષા આપી રહી છે અને રાજકીય પક્ષપાતનો અડ્ડો બની રહી છે.

You might also like