શું અમેરિકા અોસામા બિન લાદેનનો શહીદ દિવસ મનાવવા દેશેઃ વેંકૈયા નાયડુ

નવી દિલ્હી: મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુઅે અમેરિકી રાજદૂત રિચર્ડ વર્માનું નામ લીધા વગર પૂછ્યું છે કે અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં અોસામા બિન લાદેનનો શહીદ દિવસ ઊજવવામાં અાવશે તો તે કેટલી હદ સુધી ‘સહિષ્ણુ’ રહી શકશે.  અા અઠવાડિયાની શરૂઅાતમાં વર્માઅે જેએનયુ મુદ્દે નવી દિલ્હી અને પટણામાં ટિપ્પણી તરીકે ફ્રી સ્પીચ ભારત અને અમેરિકાનો કેન્દ્રીય સિદ્ધાંત છે. સંસદ પર હુમલાના કેસમાં દોષી અફઝલ ગુરુની ડેથ એ‌િનવરસી પર જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવવામાં અાવ્યાં. તેના પર નાયડુઅે ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે ભારત પોતાની યુનિવર્સિટીમાં અા પ્રકારની પ્રવૃત્તિઅો સહન નહીં કરી શકે અને પોતાના યુવાનોને વિદેશી વિચારધારા તેમજ વિદેશી તાકાતોથી પ્રભાવિત તત્ત્વો દ્વારા ખોટી દિશામાં લઈ જવાની પરવાનગી પણ નહીં અાપે.

રાષ્ટ્રપતિના ભાષણ માટે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન નાયડુઅે કહ્યું કે શું અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં અોસામા બિન લાદેનનો શહીદ દિવસ ઊજવવામાં અાવશે. શું અમેરિકા કહી શકે છે કે ‘અોસામા હમ શર્મિન્દા હૈ તુમ્હારે કાતિલ જિન્દા હૈ’ કે પછી ‘અમેરિકા કે ટુકડે હોંગે, ઇન્સાહ અલ્લાહ ઇન્સાહ અલ્લાહ’ શું કોઈ અાવું કહેશે તો અમેરિકા સહન કરી શકશે.

નાયડુઅે કહ્યું કે અમેરિકા મહાન દેશ હોઈ શકે છે. તમામ સંસાધનો તેને અાધીન છે, પરંતુ અાપણું ભારતીયોનું પણ અાત્મસન્માન છે. અાપણે પણ અાપણા દેશની અેકતા, અખંડતા, સુરક્ષા અને સંપ્રભુતા માટે ચિંતિત છીઅે. તેમણે અાગળ કહ્યું કે જે દેશ અાપણને શીખ અાપી રહ્યા છે અથવા કહી રહ્યા છે કે ભારત અસહમતિ સ્વીકારતું નથી. હું તેને જણાવવા ઇચ્છીશ કે એક વખત હું મારા અોઅેસડી સાથે અમેરિકા ગયો હતો. મારા અોઅેસડીને એક કલાક રોકવામાં અાવ્યો. એક કલાક સુધી હું કહી ન કરી શક્યો, કેમ કે હું દેશથી બહાર હતો. તે છોકરાઅે દાઢી રાખી હતી અને અે દાઢી તેના પ્રત્યેના શકનું કારણ હતું. જો અમેરિકા સુરક્ષા માટે સાવધાની રાખી શકે છે તો ભારત પાકિસ્તાન સમર્થિત અને અલગાવવાદી સૂત્રોચ્ચાર કરવા સામે એક્શન કેમ ન લઈ શકે?

તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની એક કોર્ટે વિરાટ કોહલીનાં વખાણ કરનાર પોતાના નાગરિક ઉમર દરાજને ૨૪ કલાકની અંદર જ ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી. અા તો ક્રિકેટની વાત હતી, પરંતુ જો કોઈ પાકિસ્તાની ભારતીય શહીદનાં વખાણ કરત તો તેનું શું થાત.  નાયડુઅે અફઝલના કેસમાં યોગ્ય નિર્ણય લેવાયો ન હતો તેવું કહેનાર પૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન તેમજ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમ્ની પણ અાકરી ટીકા કરી હતી.

You might also like