રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા સામે ભારતને અમેરિકાની ચેતવણી

વોશિંગ્ટન: રશિયા પાસેથી શસ્ત્રોની ખરીદી પર અમેરિકાએ ભારતને ફરીથી ચેતવણી આપી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના એક ટોચના અધિકારીએ ભારતને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા પર ભારતને અમેરિકા પાસેથી સ્પેશિયલ રાહત કે છૂટ મળતી રહેશે એવી કોઇ ગેરંટી નથી.

વોશિંગ્ટન એ વાતને લઇને ચિંતિત છે કે ભારત પોતાના જૂના સાથી દેશ રશિયા પાસેથી જમીન પરથી હવામાં પ્રહાર કરી શકે એવા લાંબી રેન્જની પ્રહાર ક્ષમતા ધરાવતી એન્ટી મિસાઇલ સિસ્ટમ એસ-૪૦૦ સહિત અન્ય શસ્ત્રો ખરીદવા જઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં ભારત અમેરિકા માટે મહત્વપૂર્ણ સંરક્ષણ સહયોગી બનીને ઊભરી આવ્યું છે. રશિયા વિરુદ્ધ અમેરિકાના વર્તમાન નિયમો હેઠળ જો કોઇ દેશ રશિયા પાસેેથી સંરક્ષણ કે ગુપ્તચર વિભાગના ક્ષેત્રોમાં લેવડદેવડ કે સોદા કરે તો તે દેશને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડેે છે.

જોકે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જિમ મેટીસના પ્રયાસો બાદ અમેરિકન સંસદે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાનને રશિયા સાથે શસ્ત્ર સોદા કરનારા સહયોગી દેશોને પ્રતિબંધમાંથી છૂટ આપવાની સત્તા આપી હતી.

પેન્ટાગોનમાં એશિયા અને પેસેફિક સુરક્ષા બાબતોના સહાયક મંત્રી રેન્ડલ સ્ટ્રીવરે જણાવ્યું છે કે હાલ એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે જાણે કે ભારતને અમેરિકા તરફથી છૂટછાટ મળી જ જશે, પરંતુ મારે કહેવું પડશે કે આ બધી વાતો એક રીતે ભ્રમિત કરનારી છે. હું એવું કહી શકું નહીં કે ભારતને છૂટ મળશે જ અને તેના માટે પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે.

You might also like