પાકિસ્તાન આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરેઃ અમેરિકા

વોશિંગ્ટન: પંજાબના પઠાણકોટમાં એરફોર્સ બેઝ પર આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાનને જણાવ્યું છે કે તે તમામ પ્રકારના આતંકવાદને ખતમ કરે. અમેરિકાએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ બંને દેશના હિતમાં છે અને દ્વિપક્ષીય મુદ્દાઓ ઉકેલવાની જવાબદારી બંને દેશોની છે.

અમેરિકાએ પાકિસ્તાન સરકારને સર્વોચ્ચ સ્તરે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાને કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ આતંકવાદી સંગઠનોને સતત નિશાન બનાવવા જોઈએ. જે આતંકવાદી સંગઠનો ભારતને નિશાન બનાવી રહ્યા છે તેમની સામે પાકિસ્તાને કાર્યવાહી કરવી જોઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ પ્રક્રિયા જારી રહેવી જોઈએ કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવે જણાવ્યું હતું કે ચોક્કસ પણે બંને દેશોના નેતાઓએ પોતાના દેશના નાગરિકોના હિતમાં યોગ્ય નિર્ણય કર્યો છે. અમેરિકાએ વધુમાં જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન કોઈ પણ જાતના ભેદભાવ વગર આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરે.

દરમિયાન વિદેશ વિભાગના પ્રવકતા જોન કિરબીએ ભારતીય એરફોર્સ બેઝ પર આતંકી હુમલાની સખત ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્રાસવાદના જંગમાં અમેરિકા ભારતની પડખે મજબૂત રીતે ઉભું છે.

You might also like