ઉત્તર કોરિયાના ખતરા વચ્ચે USએ ઈન્ટરસેપ્ટરથી મિસાઈલ તોડી પાડી

વોશિંગ્ટન: છેલ્લા કેટલાક સમયથી ઉત્તર કોરિયા સાથે ચાલતા વિવાદ વચ્ચે અમેરિકાએ ગઈ કાલે લાંબા અંતરની ઉન્નત ઈન્ટરસેપ્ટર મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી આંતરમહાદ્વીપિય બેલેસ્ટિક મિસાઈલને તોડી પાડી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના હુમલાથી બચવા માટે આ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયા સતત મિસાઈલ અને પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે તેનાથી અમેરિકા ચિંતીત છે.

ઉત્તર કોરિયાએ અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપતાં જણાવ્યું છે કે જો અમેરિકા તેને ઉશ્કેરશે તો તે અમેરિકા પર પરમાણુ હુમલો કરશે. અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર મિસાઈલ સંરક્ષણ એજન્સીએ કેલિફોર્નિયાના વંડેનબર્ગ એરફોર્સ બેસ પરથી આ ઈન્ટરસેપ્ટરને લોન્ચ કરી હતી. જેણે તેના લક્ષ્ય મુજબ અમેરિકાના મોક ICBMને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડી હતી. અમેરિકાની આ ઈન્ટરસેપ્ટર મિસાઈલ સિસ્ટમ પહેલાથી જ વિવાદમાં રહી છે. તેમજ વિશ્વના અન્ય દેશો પણ તેની આકરી ટીકા કરી રહ્યા છે.

ઈન્ટરસેપ્ટર સિસ્ટમે તેના લક્ષ્યને પાર કરી લીધું છે. એજન્સીના વડા વાઈસ એડમિરલ જિમ સિરિંગનું કહેવું છે કે ઈન્ટરસેપ્ટરે ICBMને અતિ ઝડપથી તોડી પાડી હતી. જે અમેરિકા માટે મોટી સિદ્ધિ છે. અમેરિકાની સુરક્ષા માટે આ એક મહત્વનું કદમ છે. સિરિંગે જણાવ્યું કે અમે અમારા દેશની સુરક્ષા માટે કોઈ પણ ખતરાનો સામનો કરવામાં સક્ષમ છીએ.
http://sambhaavnews.com/

You might also like