પાકિસ્તાનને કોઈ ભ્રમમાં નહીં રહેવા અમેરિકાની ફરી ધમકી

વોશિંગ્ટન, બુધવાર
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બંને દેશ વચ્ચેના સંબંધને લઈ વિવાદ ચાલે છે ત્યારે અમેરિકાએ પાકિસ્તાનને કોઈ ભ્રમમાં નહિ રહેવા ધમકી આપતાં પાિકસ્તાન હાલ ચૂપ થઈ ગયું છે ત્યારે બીજી તરફ પાકિસ્તાને પણ અમેરિકા સાથે લશ્કરી તેમજ ગુપ્ત સહકાર બંધ કરી દીધા છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના હેડકવાર્ટર પેન્ટાગોનના પ્રવકતાએ પણ જણાવ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન સાથે સીધી જ વાત કરી છે અને તેણે શું કરવાનું છે તે અંગે કોઈ જ ગડમથલ ન હોવાથી પાકિસ્તાને હવે કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી. પાકિસ્તાને તેની ધરતી પર તાલિબાની અને હકાની નેટવર્ક તેમજ અન્ય આંતકી સંગઠનોને આશરો આપવાનું બંધ કરવું જ પડશે. અમેરિકાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકાએ સૈન્ય મદદ કાયમ માટે બંધ કરી નથી પણ પાકિસ્તાન આંતકવાદીઓ સામે પગલાં લેશે તો તેને સહાય મળતી રહેશે.

અમેરિકાએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે આવી ચીમકી આપવા છતાં પાકિસ્તાન તરફથી આતંકીઓ સામે પગલાં લેવા અંગેના કોઈ સંકેત રજૂ કરાયા નથી. તેથી અમેરિકાના અધિકારીઓએ એવા સંકેત આપ્યા છે કે જો પાકિસ્તાન સપ્લાયના માર્ગ બંધ કરશે તો તેની અમેરિકાને કોઈ પરવા નથી, કારણ તેની પાસે બીજા વિકલ્પ છે.

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના આક્ષેપ બાદ પાકિસ્તાને પણ અમેરિકા સાથે લશ્કરી અને ગુપ્ત સહકારને સ્થગિત કરી દીધા છે. ગઈ કાલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી. જ્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ટ્રમ્પે ટિ્વટ કર્યું હતું કે પાકિસ્તાનને મોટી માત્રામાં સુરક્ષા સહાયતા આપવા છતાં અમેરિકાને બદલામાં છેતરપિંડી અને જૂઠ સિવાય કંઈ મળ્યું નથી.

You might also like