પાક.ના અણુ શસ્ત્રો છિનવી લેવાનો અમેરિકાનો પ્લાન

નવી દિલ્હી: ઉત્તર કોરિયાને બોંબ બનાવવાની ટેકનિક પાકિસ્તાને આપી હતી. વિશ્વમાં ત્રાસવાદનું કેન્દ્ર બનેલા પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ એટલા તાકતવર થઇ ગયા છે કે, ગમે ત્યારે તેઓ પરમાણુ બોંબ સુધી પહોંચી શકે તેમ છે. પાકિસ્તાનના જેહાદી જનરલો ઉપર પણ ભરોસો થઇ શકે નહી. થોડા સમય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, પાકિસ્તાન અસ્થિર થઇ જાય તો તેની પાસેથી અણુ બોંબ છિનવી લેવા જોઇએ. એવું કહેવાય છે કે, અમેરિકા પાસે એવો સિક્રેટ પ્લાન પણ છે કે જેમાં ભારતની પણ જરૂર પડશે કે જેનાથી પાકિસ્તાનની પરમાણુ પક્કડ સમાપ્ત થઇ જશે.

અમેરિકા પાસે વાસ્તવમાં એક સિક્રેટ પ્લાન છે. અમેરિકી મિડિયા આ સિક્રેટ પ્લાનનો ખુલાસો પણ કરી ચુકયુ છે. જેમાં પાકિસ્તાન પાસેથી પરમાણુ શસ્ત્રો છિનવી લેવાની વાત છે. આ કવાયતમાં ભારતની ભૂમિકા પણ હશે. પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત નથી. ત્રાસવાદીઓ જયાં પરમાણુ બેઇઝ છે ત્યાં પ્રહારો કરવામાં સફળ રહ્યા છે. ર૦૧રના ઓગષ્ટમાં પરમાણુ કેન્દ્રો ઉપર હુમલો થયો હતો. પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનો ખતરો પાકિસ્તાન સૈન્યના કટ્ટરપંથી ઓફિસરો તરફથી પણ છે. એક દિવસ એવો પણ આવશે કે અરાજકતા ફેલાઇ જશે.

એવામાં સવાલ એવો ઊભો થશે કે પરમાણુ શસ્ત્રોનુ શું થશે ? જયારે ટ્રમ્પને આ અંગે પુછાયું તો તેમણે કહ્યું હતું કે, તેમની પાસેથી શસ્ત્રો છિનવી લેવા જોઇએ. અમેરિકાએ પણ આ શસ્ત્રો છીનવી લેવાની યોજના ઘડી છે.લાદેનને મારવા માટે થયેલી કમાન્ડો કાર્યવાહીથી એ તો સ્પષ્ટ થઇ ગયું છે કે, પોતાના હિતોની રક્ષા માટે અમેરિકા કેટલી હદ સુધી જઇ શકે છે. સંકટના સમયમાં પાક.ના પરમાણુ જથ્થા પર કબજો કરી લેવાની પણ યોજના છે. પાકિસ્તાનના એક ડઝન પરમાણુ બેઇઝ પર પહોંચીને પરમાણુ શસ્ત્રોને નિષ્ફળ કરવા કે તેના ટ્રીગરને કબજામાં લેવાની પણ યોજના છે.

You might also like