અમેરિકામાં આજે મિડ-ટર્મ ચૂંટણી: ભારતીય મૂળના 12 ઉમેદવાર મેદાનમાં

વોશિંગ્ટન: અમેરિકામાં આજે મિડ-ટર્મ એટલે કે મધ્યવર્તી ચૂંટણીઓ યોજાઈ રહી છે. ભારતીય સમુદાયની સતત વધતી દાવેદારીના કારણે પણ આ ચૂંટણી ખાસ ચર્ચામાં છે. અમેરિકી સંસદના ઉચ્ચ સદનની ૧૦૦માંથી ૩પ સીટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એટલે કે નીચલા સદનની તમામ ૪૩પ બેઠકો પર સાંસદ ચૂંટવામાં આવશે.

આ વખતની ચૂંટણીઓમાં રેકોર્ડ ૧ર ભારતીય-અમેરિકન પાસે અમેરિકી સંસદમાં ચૂંટાવાનો મોકો છે. ૧૦ વર્ષ પહેલાં સુધી યુએસ કોંગ્રેસ (સાંસદ)માં ફક્ત બોબી ઝિંદાલ જ એકમાત્ર ભારતીય-અમેરિકન હતા. ર૦૧૬માં રેકોર્ડ પાંચ ભારતીય-અમેરિકન સંસદમાં પહોંચ્યા હતા.

એ તમામ ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. આ વખતે ૧ર ભારતીય મૂળના ઉમેદવારોમાં ૧૦ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.

અમેરિકાની વસ્તીમાં હાલ ભારતીયોની સંખ્યા એક ટકા કરતી પણ ઓછી છે, જોકે રાજનીતિમાં ભારતીયોનો પ્રભાવ જોતાં ડેમોક્રેટિક પાર્ટીએ આ વર્ષે પણ નવ ભારતીયોને ઉમેદવાર બનાવ્યા છે, તેમાંથી ચાર ઉમેદવાર તેમની જીતેલી સીટ બચાવવા માટે લડી રહ્યા છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીએ પણ બે ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે એક પૂર્વ રિપબ્લિકન આ વર્ષે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

ર૦૧રની ચૂંટણીમાં ભારતના ડોક્ટર અમી બેરાએ જીત મેળવીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્થાન મેળવ્યું હતું. તેઓ ભારતના દિલીપસિંહ સૌંદ (૧૯પ૭) અને બોબી ઝિંદાલ (ર૦૦૪) બાદ સંસદમાં પહોંચનારા ત્રીજા ભારતીય હતા.

અમી બેરાના ચૂંટાયા બાદ ભારતીય મૂળના અન્ય ત્રણ ઉમેદવારોએ ચૂંટણી જીતીને સંસદમાં સ્થાન મેળવ્યું હતું. તેમાં ઈલિનોયથી જીતીને રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાથી રો ખન્ના અને વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ સદનમાં પહોંચ્યા હતા. સદનમાં ચાર સાંસદ પહોંચ્યા બાદ આ ગ્રૂપને સમોસા બ્રિગેડ નામથી ઓળખવામાં આવે છે.

મધ્યવર્તી ચૂંટણીમાં ભારતીય મૂળના પહેલા મહિલા સાંસદ પ્રમિલા જયપાલની જીત આસાન માનવામાં આવી રહી છે, પરંતુ ત્રણ વખત સાંસદ બનેલા અમી બેરાનો મુકાબલો કેલિફોર્નિયા સીટ પર રિપબ્લિકનના મજબૂત નેતા એન્ડ્ર્યુ ગ્રાન્ટ સાથે છે. ઈલિનોય સીટથી રિપબ્લિકન પાર્ટીએ કૃષ્ણમૂર્તિ સામે ભારતીય-અમેરિકન જીતેન્દ્ર દિગાંવકરને ઊભા રાખ્યા છે.

ખાસ વાત એ છે કે આ બંને નેતા પ્રાઈમરી ચૂંટણીમાં કોઈ વિરોધ વિના જીતી ગયા છે. ખન્નાને કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં રિપબ્લિકન રોન કોહેનનો સામનો કરવાનો છે. જોકે ભારતીય-અમેરિકનની બહુમતીના કારણે સિલિકોન વેલીમાં મુકાબલો આસાન માનવામાં આવી રહ્યો છે.

આ વખતે ચૂંટણી લડી રહેલા ૧ર ભારતીય મૂળના ઉમેદવારોમાંથી આઠ નવા છે તેમાં એરિઝોનાથી હીરલ તિપિરનેની અને અનીતા મલિક, ટેક્સાસથી પૂર્વ વિદેશ સચિવ પ્રેસ્ટન કુલકર્ણી, ઓહિયોથી ભારતીય-તિબેટ મૂળના પહેલા ઉમેદવાર આફતાબ પુરેવાલ અને ફ્લોરિડાથી સંજય પટેલ સામેલ છે.

આ તમામને ડેમોક્રેટ તરફથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રિપબ્લિકન તરફથી હેરી અરોરા બીજા ભારતીય મૂળના ઉમેદવાર છે. હેરી અરોરાનો સામનો કનેકિટકટના ડેમોક્રેટ ઉમેદવાર જિમ હાઈમ્સ સાથે થશે.

ભારતીય મૂળના એકમાત્ર અપક્ષ ઉમેદવાર શિવ અયાદુરાઈ છે, જે સેનેટ માટે મેદાનમાં છે. ગયા વર્ષે જ તેમણે રિપબ્લિકન પાર્ટી છોડી દીધી હતી. તેમનો મુકાબલો ડેમોક્રેટ સાંસદ એલિઝાબેથ વોરેન સાથે થશે, જે પાર્ટીની સ્ટાર રાજનીતિજ્ઞ ગણાય છે.

You might also like