ISIS આતંકી સંગઠને ફલોરિડા હુમલાની લીધી જવાબદારી, 50ના મોત

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઓર્લાન્ડો ખાતે સમલૈગિંકોની (ગે) નાઈટ ક્લબમાં એક બંધૂકધારીએ અંધાધૂંધ ફાયરિંગ કરીને ૫૦થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં ખૂંખાર ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે (આઈએસઆઈએસ) જવાબદારી સ્વીકારી છે. સિરિયાનાં ખોફનાક ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસની ન્યૂઝ એજન્સી અમકે રવિવારે ઓર્લાન્ડો શહેરની નાઈટ ક્લબમાં થયેલ ફાયરિંગની જવાબદારી આ આતંકી સંગઠન પર નાંખી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ફાયરિંગની ઘટના પાછળ આઈએસઆઈએસનો હાથ છે. આ ઘટનાના પગલે સમગ્ર અમેરિકા ઊંડા આઘાત અને શોકમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે ફ્લોરિડાના ઓર્લાન્ડો શહેરમાં પલ્સ નામની ગે નાઈટ ક્લબમાં અફઘાન મૂળના અમેરિકન નાગરિક ઓમર સિદ્દિકી મતીને બેફામ ગોળીબાર કરીને ૫૩ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંની કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આઈએસઆઈએસની વેબસાઈટ અમક અનુસાર અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઓર્લાન્ડો શહેર સ્થિત ગે નાઈટ ક્લબમાં ફાયરિંગ કરીને ૫૦થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટનાને આતંકી સંગઠન આઈએસઆઈએસે અંજામ આપ્યો છે. આ સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે ગોળીબાર કરનાર હુમલાખોર ઓમર મતીન આઈએસઆઈએસનો ત્રાસવાદી છે.

ઓમર મતિનનું આઈએસઆઈએસ કનેકશન
ઓર્નાલ્ડો સ્થિત નાઈટ ક્લબમાં બેફામ ગોળીબાર કરીને ૫૩ને મોતને ઘાટ ઉતારીને ગોળીબારમાં પોતે પણ માર્યો ગયેલ હુમલાખોર ઓમર સિદ્દિકી એક અમેરિકન નાગરિક હતો. અમેરિકન ચેનલના જણાવ્યા અનુસાર મતીને ગોળીબાર કરતા પહેલાં ઈમર્જન્સી હેલ્પલાઈનને ફોન કરીને પોતે આઈએસઆઈએસ સાથે સંકળાયેલ હોવાનું જણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી અમકે પણ તેના આઈએસઆઈએસના કનેકશનને સમર્થન આપ્યું છે.

મતિનની પૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે તે સનકી અને હિંસક હતો. લગ્ન થયા બાદ તે મને મારપીટ કરતો હતો. તેણે જણાવ્યું હતું કે ઓમર મતિનનો પરિવાર અફઘાનિસ્તાનનો છે, પરંતુ મતિનનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. ત્યાર બાદ તેમનો પરિવાર ફ્લોરિડા ચાલ્યો ગયો હતો.

અમેરિકામાં ૮,૦૦૦ લોકોને મારી નાખવાની આઈએસઆઈએસની ધમકી
‘thegatewaypandit’ નામની વેબસાઈટ અનુસાર આઈએસઆઈએસ તરફી એક ગ્રૂપે સમગ્ર અમેરિકામાં ૮,૦૦૦ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી. આ યાદી ત્રણ દિવસ પહેલાં જારી થઈ હતી. આ યાદીમાં ફ્લોરિડામાંથી ૬૦૦ લોકોને મારી નાખવાની ધમકી અપાઈ હતી. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પામ બિચ કાઉન્ટી અને ટ્રેઝર કોસ્ટ વિસ્તારમાં રહેતા લોકોને નિશાન બનાવવાની સાજિશ છે.

ઓબામા રાજીનામું આપેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષની દાવેદારી માટેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા ઓર્લાન્ડો આતંકી હુમલા માટે સીધી રીતે ઈસ્લામિક કટ્ટરવાદીઓને દોષિત નહીં ઠરાવી શકતાં તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓબામા કમજોર નેતા છે અને તેથી આવી ઘટનાઓ ઘટી રહી છે અને તેથી આપણા કમજોર નેતાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

You might also like