સિરિયામાં ISના શકમાં USનો બોમ્બમારોઃ ૩પ બાળકો, ૨૦ મહિલા સહિત ૧૧૭નાં મોત

દમિસ્ક: સિરિયામાં અમેરિકાએ ખોફનાક ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસના શકમાં સામાન્ય નાગરિકો પર હવાઇ હુમલા દ્વારા બોમ્બમારો કરતાં ૩પ બાળકો સહિત ૧૧૭ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ૭૩ સામાન્ય નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે.

એક સ્થાનિક કાર્યકરના જણાવ્યા મુજબ કોએલિશન ફાઇટર જેટ દ્વારા મામ્બિજના અલ્તોફર ગામ પર ક્લસ્ટર બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં ર૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રક્કાબાદ આઇએસનું બીજું સૌથી મોટું સ્ટ્રેટેજિક સેન્ટર મામ્બિજ કોએલિસન આર્મીના નિશાન પર છે, જેના કારણે અહીંથી મોટા ભાગના લોકો પોતાનાં ઘરબાર છોડીને સુર‌િક્ષત સ્થળો પર ચાલ્યા ગયા છે.

મામ્બિજના કાર્યકર અદનાન અલ હુસેને જણાવ્યું છે કે અમેરિકાના બોમ્બ હુમલામાં ૧૧૭ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં ૭૩ સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં ૩પ બાળકો અને ર૦ મહિલાઓના પણ મોત થયા છે. મોટા ભાગના મૃતદેહ ખરાબ રીતે ભડથું થઇ ગયા છે.

કેટલાંય શરીરના ટુકડેટુકડા થઇ ગયા છે. કાર્યકરે જણાવ્યું હતું કે આ હુમલામાં ઘાયલ થયેલા પ૦ લોકોને જ્યારે બોર્ડર ટાઉન જરાબ્લસ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે તેની જાણ થઇ હતી. બીજી બાજુ માનવ અધિકાર ઉલ્લંઘન પર નજર રાખી રહેલ એક સંગઠન ‘રક્કા ઇઝ બીઇંગ સ્લોટર્ડ સાઇલન્ટલી’એ એવો દાવો કર્યો છે કે આ હુમલામાં ૧૬૦ નાગરિકો માર્યા ગયા છે.

બ્રિટન સ્થિત મોનિટરિંગ ગ્રૂપ એરવેઝે જણાવ્યું હતું કે આઇએસ વિરુદ્ધ છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા ઓપરેશનમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો હવાઇ હુમલો છે.

You might also like