USનાં પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ પ્રમુખપદની ચૂંટણી લડશે

વોશિંગ્ટન: અમેેરિકાની પ્રથમ ભારતીય સાંસદ અને હવાઇથી ડેમોક્રેટ પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલ સાંસદ તુલસી ગેબાર્ડ ર૦ર૦માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવશે. તુલસી ગેબાર્ડે અા અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે મંે હવે ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે અને હવે હું ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરીશ.

ર૦ર૦માં યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટી વતી વિવિધ નામો વહેતા થયા છે અને એમાં એક નામ ભારતીય મૂળનાં તુલસી ગેબાર્ડનું પણ છે. તેમણે હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ પ્રમુખપદની આગામી ચૂંટણી લડવા ઇચ્છે છે.

સીએનએન ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં પ્રમુખપદ માટેની ચૂંટણી લડવાની પોતાની ઇચ્છા જાહેર કરતાં તુલસી ગેબાર્ડે જણાવ્યું હતું કે મારા આ નિર્ણય પાછળ ઘણા કારણો જવાબદાર છે. આગામી ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં હેલ્થકેર સુધી તમામની પહોંચ, કલાઇમેટ ચેન્જ વગેરેનો સમાવેશ થાય છે.

અમેરિકાના લોકો સામે અનેક પડકારો છે. જે અંગે મને ખૂબ જ ચિંતા છે. આ પડકારો અને સમસ્યાઓને હલ કરવામાં હું તેમની મદદ કરવા ઇચ્છું છું. પોતાની પ્રાથમિકતાઓ અંગે વાત કરતાં તુલસી ગેબાર્ડે જણાવ્યું છે કે સૌથી મુખ્ય મુદ્દો છે યુદ્ધ અને શાંતિનો. જે કેન્દ્ર સ્થાને રહ્યો છે.

હું જ્યારે પ્રમુખપદની ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરીશ ત્યારે આ મુદ્દા પર ગહનતાથી વાત કરીશ. તુલસી ગેબાર્ડ હાલ અમેરિકાની હાઉસ ફોરેન અફેર્સ કમિટીમાં કાર્યરત છે. તુલસી ગેબાર્ડના પિતા સમોવા મૂળના કેથલિક માઇક ગેબાર્ડ છે જેઓ હવાઇ રાજ્યના સેનેટર રહી ચૂકયા છે. જ્યારે તેમની માતા કાકેશિયાઇ મૂળના કરોલ પોર્ટર ગેબાર્ડ છે જેઓ હિંદુ ધર્મનું પાલન કરે છે. તુલસી ગેબાર્ડે સ્વયં હિંદુ ધર્મ અપનાવ્યો છે.

You might also like