યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર નહીં વધારે તેવી શક્યતાઓ પાછળ અમેરિકી શેરબજાર ઊંચાઈએ

અમદાવાદ: આજથી શરૂ થઇ રહેલ યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠકમાં વ્યાજના દરમાં વધારો કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, જેના પગલે અમેરિકી શેરબજારમાં તેજીની ચાલ નોંધાઇ છે. ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સમાં ૬૩ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૨૨,૩૩૧ પોઇન્ટની રેકોર્ડ ઊંચાઇએ બંધ થયું હતું. ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરમાં તેજી નોંધાઇ હતી.

દરમિયાન નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ પણ છ પોઇન્ટના સુધારે છેલ્લે ૬,૬૫૪ પોઇન્ટની સપાટીએ બંધ નોંધાયો હતો, જ્યારે એસ એન્ડ પી ૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ ત્રણ પોઇન્ટના વધારે ૨,૫૦૦ની સપાટી ઉપર ૨,૫૦૩ની સપાટીએ બંધ નોંધાયો છે.

એશિયાઇ શેરબજારોમાં પણ તેજીની ચાલ નોંધાઇ હતી. જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૨૭૫ પોઇન્ટના સુધારે ૨૦,૧૮૬ પોઇન્ટની સપાટીએ જોવાયો હતો, જ્યારે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટના વધારે ૨૮,૨૦૮ પોઇન્ટની સપાટીએ જોવાયો હતો, જોકે પાછળથી પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ શેરબજાર ઇન્ડેક્સ, ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં ખૂલ્યા હતા.

You might also like