યુએસએ વ્યાજદર વધાર્યા બાદ આઈટી કંપનીની આગેવાનીએ શેરબજાર અપ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે બે દિવસીય બેઠક બાદ અપેક્ષા મુજબ ૦.૨૫ ટકાનો વ્યાજના દરમાં વધારો કરવાનો અપેક્ષા મુજબનો નિર્ણય કર્યા બાદ આજે શરૂઆતે શેરબજાર પ્રેશરમાં ખૂલ્યું હતું. વિદેશી બજારોનાં પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સ ૧૬૫ પોઇન્ટને ઘટાડે ૨૬,૪૩૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૩ પોઇન્ટને ઘટાડે ૮,૧૨૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે ત્યાર બાદ તુરત ઘટાડે નીચા મથાળે લેવાલી નોંધાતાં બજારમાં સુધારાની ચાલ જોવાઇ હતી. સેન્સેક્સમાં ૧૨૧ પોઇન્ટ, જ્યારે નિફ્ટીમાં ૩૪ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૮,૨૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી.

આઇટી શેરમાં ઉછાળો નોંધાયો હતો. ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો કંપનીના શેરમાં ૧.૭૫ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગેઇલ, એચડીએફસી કંપનીના શેરમાં એક ટકાનો સુધારો જોવાયો હતો. તો બીજી બાજુ સન ફાર્મા, ટાટા મોટર્સ અને હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં ૧.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેર પ્રેશરમાં જોવાયા હતા. બેન્ક નિફ્ટી પણ ૧૦૮ પોઇન્ટના સુધારે ૧૮,૪૪૯ પોઇન્ટના સુધારે ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક શેર સુધર્યા
એસબીઆઈ ૧.૫૨ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૩૦ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૫૨ ટકા
એક્સિસ બેન્ક ૦.૪૪ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૪૩ ટકા

હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સ ૩૭૦ પોઈન્ટ તૂટ્યોઃ એશિયાઈ બજાર ડાઉન
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો અપેક્ષા મુજબનો વધારો કરવાનો નિર્ણય કરતાં આજે એશિયાના મોટાં ભાગનાં શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ ઇન્ડેક્સ ૩૭૦ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧૯ પોઇન્ટ તૂટ્યો હતો. શાંઘાઈ શેરબજાર ઇન્ડેક્સમાં પણ ઘટાડાની ચાલ નોંધાઇ હતી. એ જ પ્રમાણે તાઈવાન અને દક્ષિણ કોરિયાનાં કોસ્પી શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૨૦ પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like