યુએસ ફેડે ડિસેમ્બરમાં વ્યાજદર વધારવાના સંકેતો આપ્યા

મુંબઇ: બેદિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક બાદ હાલ વ્યાજદર યથાવત્ જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે, જોકે આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. યુએસ ફેડરલ રિઝર્વે જણાવ્યું કે વ્યાજદરમાં વધારો કરવા માટે આર્થિક આંકડા અને મોંઘવારીના દરના મોરચે સ્થિતિ અનુકૂળ જોવાઇ છે.

ફેડરલ રિઝર્વના જણાવ્યા અનુસાર અમેરિકામાં રોજગારીના આંકડામાં સુધારો નોંધાયો છે. આગામી ફેડરલ રિઝર્વની બેઠક ૧૩ અને ૧૪ ડિસેમ્બરે થશે. દરમિયાન અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના કારણે શેરબજાર ઉપર પ્રેશર જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ૭૭ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૧૭,૯૫૯ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો હતો. એ જ પ્રમાણે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સમાં ૪૮ પોઇન્ટ અને એસએન્ડપી ઇન્ડેક્સમાં ૧૩ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે એશિયાઇ શેરબજાર પણ આજે ઘટાડે ખૂલ્યાં હતાં.

You might also like